બાજવાની સ્કૂલની નિભાવ ગ્રાન્ટમાં કાપ મૂકવાની ડીઈઓની ભલામણ
વડોદરાઃ ગયા મહિને શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ સ્કૂલોમાં આચાર્યોની નિમણૂંક માટે ઈન્ટરવ્યૂ યોજવામાં આવ્યા હતા.જેમાં બાજવાની વાકળ વિદ્યાલયનો પણ સમાવેશ થતો હતો.જોકે હવે ડીઈઓ કચેરીએ આ સ્કૂલની ગ્રાન્ટ કાપવા માટે શાળા કમિશનર કચેરીને ભલામણ કરી હોવાનુ બહાર આવ્યુ છે.ડીઈઓ રાકેશ વ્યાસે સ્કૂલના સંચાલકોને પત્ર લખીને આ બાબતની જાણકારી આપી છે.
જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યુ હતુ કે, આ સ્કૂલમાં આચાર્યની જગ્યા ખાલી હોવાથી ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા.જેમાં હરેશકુમાર પટેલને નિમણૂક આપવામાં આવી હતી.તેમણે ૧ સપ્ટેમ્બર સુધીમાં સ્કૂલમાં ફરજ પર હાજર થવાનુ હતુ.જોકે નક્કી સમય મર્યાદામાં તે હાજર નહીં થતા બીજા ક્રમના ઉમેદવાર ભરતકુમાર ઉપાધ્યાયને નિમણૂકનો ઓર્ડર આપવાનો હતો.તેની જગ્યાએ સ્કૂલ દ્વારા નવેસરથી આચાર્યની ભરતી થશે ત્યારે નવેસરથી પસંદગી કરવામાં આવશે.જે નિયમ પ્રમાણે નથી.
તેમના કહેવા અનુસાર ભરતી પ્રક્રિયાના નિયમોનુપાલન નહીં કરવા બદલ સ્કૂલની ૨૦૨૩-૨૪ની નિભાવ ગ્રાન્ટ પર ૨૫ ટકા કાપ મુકવામાં આવ્યો છે અને આગામી વર્ષની ૧૦૦ ટકા નિભાવ ગ્રાન્ટ કાપ કરવા માટે પણ શાળા કમિશનરની કચેરીને ભલામણ કરવામાં આવી છે.
બીજી તરફ ડીઈઓ કચેરીની કાર્યવાહીથી શાળા સંચાલકોમાં ખળભળાટ મચી ગયો છે.શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાન અને પૂર્વ આચાર્યે ક્હયુ હતુ કે, સરકારે જે નિયમો પ્રસિધ્ધ કર્યા છે તેમાં કોઈ શાળા આચાર્યના ઈન્ટરવ્યૂમાં હાજર ના રહે તો તેને આગામી ત્રણ વર્ષ સુધી આચાર્યની નિમણૂંક આપવી નહીં. પણ ૨૫ ટકાથી ૧૦૦ ટકા ગ્રાન્ટ કાપનો કોઈ નિયમ નથી.આમ છતા વડોદરા સહિત ગુજરાતમાં સંખ્યાંબંધ જિલ્લાઓમાં સ્કૂલો સામે ગ્રાન્ટ કાપની કાર્યવાહી કરાઈ છે.