ડીઈઓએ નિર્ણય બદલ્યો, શહેર જિલ્લાની સ્કૂલો હવે તા.૨ સપ્ટેમ્બરથી શરુ થશે
વડોદરાઃ વડોદરામાં ડીઈઓ કચેરીએ પરિપત્ર કરીને ફરી એક વખત પોતાના જ નિર્ણયમાં ફેરફાર કર્યો છે.કચેરીએ સ્કૂલોમાં રજાઓ તા.૧ સપ્ટેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી છે.જેના પગલે શનિવાર અને રવિવાર એમ બે દિવસ સ્કૂલોમાં રજા રહેશે.પરિપત્રમાં જણાવાયું છે કે, તા.૨ સપ્ટેમ્બરથી અન્ય કોઈ સૂચના ના મળે ત્યાં સુધી સ્કૂલો રાબેતા મુજબ ચાલુ થશે.
ખરેખર તો તા.૨૯ ઓગસ્ટ, શુક્રવારે પણ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવે તેવી લાગણી ઘણી સ્કૂલોના સંચાલકો, આચાર્યો અને વાલીઓએ વ્યક્ત કરી હતી.આમ છતા ગુરુવારે ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલો ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
શહેરની ઘણી સ્કૂલો એવી હતી કે જે સફાઈના અભાવે આજે શૈક્ષણિક કાર્ય ચાલુ કરી શકે તેમ નહોતી.જેના કારણે આજે શહેરમાં શિક્ષણ કાર્ય આંશિક રીતે જ શરુ થયું હતું અને તેના કારણે આજે સ્કૂલો બંધ રહી હતી અને હજી પણ સ્કૂલોમાં સફાઈની જરુરિયાત છે.
હવે વડોદરા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી હોવાનું કારણ આપીને બે દિવસ માટે સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.જોકે આ જાહેરાત દર્શાવે છે કે, ડીઈઓ કચેરીએ પોતાના નિર્ણયમાંથી પીછેહઠ કરી છે.ઉપરાંત કલેકટર કચેરી અને ડીઈઓ કચેરી વચ્ચે સંકલનનો અભાવ છે.