વિદેશ મોકલવાના નામે રૃપિયા પડાવનારના આગોતરા જામીન નામંજૂર
ત્રણ યુવકો પાસેથી સવા ત્રણ લાખ લીધા બાદ વિઝા કે રૃપિયા પરત આપ્યા નહતા
વડોદરા,વાસણારોડ વિસ્તારના ઇમિગ્રેશન કન્સલટન્ટે વિદેશમાં વર્ક પરમિટ અપાવવાના નામે ે છેતરપિંડી કરી હતી. જે ગુનામાં સંચાલકની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
પ્રતાપનગર રોડ પર કૈલાસ ભવનમાં રહેતા ગૌરવ પંચાલે પોલીસ ફરિયાદ કરી જણાવ્યું હતું કે,જૂન-૨૦૨૨માં સોશ્યલ મીડિયા પર વિદેશમાં વર્ક પરમિટના નામે એક જાહેરાત જોઇ સંપર્ક કરતાં વિઝા કન્સલ્ટન્ટે મને રૃબરૃ બોલાવવામાં આવ્યો હતો.
વાસણારોડ ખાતે ક્લાસિક કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી ક્રિપા ઓવરસીઝ નામની ઓફિસમાં હું સંચાલક ભાવેશ ચૌહાણને મળતાં તેણે પોલેન્ડ મોકલી વર્ક પરમિટના વિઝા અપાવવા માટે અઢીલાખ માંગ્યા હતા.જેથી મેં એક લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યારબાદ તેણે મને ઓફર લેટર નહિં આપી વાયદો કરતાં શંકા પડી હતી.જેથી રૃપિયા પરત માંગતા તેણે મને ગાળો ભાંડી ભવિષ્ય બગાડી નાંખવાની ધમકી આપી હતી.
આ ઉપરાંત તાંદલજાના વકાર પટેલ પાસેથી એક લાખ તેમજ સોમાતળાવ ડભોઇરોડ વિસ્તારના નિખિલ રાજપૂત પાસથી સવા લાખ પડાવી લીધા હતા. આ અંગે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આગોતરા જામીન મેળવવા માટે આરોપી ભાવેશ ચૌહાણે કોર્ટમાં કરેલી અરજી સેશન્સ જજ આર.બી.ઇટાલીયાએ નામંજૂર કરી છે. સરકાર તરફે વકીલ આર.એસ.ચૌહાણે રજૂઆત કરી હતી.