Get The App

વડોદરાના વેમાલી વિસ્તારમાં "પાણી નહીં તો વેરો અને મતદાન નહીં" ની ચીમકી ઉચ્ચારતા દેખાવો

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
વડોદરાના વેમાલી વિસ્તારમાં "પાણી નહીં તો વેરો અને મતદાન નહીં" ની ચીમકી ઉચ્ચારતા દેખાવો 1 - image

વડોદરા,તા.17 ફેબ્રુઆરી 2024,શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આઠ વર્ષ પૂર્વે વેમાલી ગામનો સમાવેશ થયો હતો તે બાદ પણ આજ દિન સુધી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નહીં આવતા આજે સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પાણી નહીં તો વેરો નહીં અને મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

વડોદરા શહેરના વેમાલી વિસ્તારનો વડોદરા કોર્પોરેશનની હદમાં સમાવેશ થયા બાદ શું આયોજિત વિકાસ નહીં થતા બિલ્ડરોએ ફ્લેટો અને મકાનોની સ્કીમો મૂકી દીધી હતી જેમાં અસંખ્ય લોકો રહેવા આવી ગયા પરંતુ કોર્પોરેશન તરફથી મળતી પ્રાથમિક સુવિધાઓ આજ દિન સુધી મળતી નથી. થોડા સમય પહેલા વેમાલી ગામના પૂર્વ સરપંચ અને સ્થાનિક રહીશોએ પીવાના પાણી મુદ્દે સતત દસ દિવસ સુધી આંદોલન ચલાવ્યું હતું. તે બાદ ભાજપના આગેવાનો અને કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું હતું. તે દરમિયાન બાયપાસ ક્રોસ કરીને પાણી પુરવઠા જૂથ યોજના માંથી પીવાનું પાણી મળે તે માટેના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાંથી વેમાલીના થોડાક વિસ્તારને પાણી મળતું થયું હતું પરંતુ અનેક સોસાયટી અને ફ્લેટને આજે પણ કોર્પોરેશનનું પાણી મળતું નથી. જેથી સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવતા કોર્પોરેશનના તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી.

વડોદરાના વેમાલી વિસ્તારમાં "પાણી નહીં તો વેરો અને મતદાન નહીં" ની ચીમકી ઉચ્ચારતા દેખાવો 2 - image

સ્થાનિક રહીશોએ અવાર નવાર કોર્પોરેશનમાં પાણીની લાઈન માટે રજૂઆત કરતા રહ્યા હતા ત્યારે કોર્પોરેશન દ્વારા હજુ કામગીરી પેન્ડિંગ છે ટેન્ડર પ્રક્રિયા ચાલે છે તેવા ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યા છે. જેથી સ્થાનિક રહીશોમાં રોષ આપ્યો છે. 

આજે વેમાલી વિસ્તારના રહીશો દ્વારા 'પાણી નહીં તો વેરા નહીં' ના બેનરો સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં સમગ્ર વિસ્તાર મતદાનનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.


Google NewsGoogle News