પોલ ટેસ્ટ કેવી રીતે આપવો તેનુ સ્ક્રીન પર ઉમેદવારોને સમક્ષ નિદર્શન કરાશે
વડોદરાઃ ગુજરાત સરકારની વીજ કંપની જેટકો દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી માટે અગાઉના પોલ ટેસ્ટમાં ગેરરીતિના આક્ષેપો બાદ તમામ પરીક્ષા રદ કરીને નવેસરથી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.જેના ભાગરુપે તા.૨૮ અને તા.૨૯ નવેમ્બરે ઉમેદવારોનો પોલ ટેસ્ટ લેવામાં આવશે.
જાણવા મળતી વિગતો પ્રમાણે અગાઉના ટેસ્ટમાં સામે આવેલી વિસંગતતાઓ બાદ જેટકોના સત્તાધીશોએ પોલ ટેસ્ટ પહેલા ટેસ્ટના સ્થળે સ્ક્રીન મુકીને ઉમેદવારોને પોલ ટેસ્ટ કેવી રીતે આપવો તેનો ડેમો બતાવવાની વ્યવસ્થા કરી છે.સાથે સાથે અગાઉ પોલ ટેસ્ટ લેવા માટે ૧૩ સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી હતી.હવે પોલ ટેસ્ટના સ્થળો ઘટાડીને ૬ કરી દેવાયા છે.
દરમિયાન અગાઉના પોલ ટેસ્ટમાં ગેરરીતિના આક્ષેપો બાદ મંગળવારે જેટકોના સત્તાધીશો દ્વારા એક ડેપ્યુટી એન્જિનિયર અને પાંચ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાથી કર્મચારી આલમમાં ખળભળાટ છે.એક લાગણી એવી પણ છે કે, પોલ ટેસ્ટમાં જે પણ ગરબડ થઈ છે તે માટે જવાબદાર એચઆર વિભાગ છે પણ દોષનો ટોપલો એન્જિનિયરો પર ઢોળાઈ રહ્યો છે.
આ નિર્ણય બાદ એન્જિનિયરોના સંગઠન જીબીઆ(જીઈબી એન્જિનિયર્સ એસોસિસેશન) દ્વારા સસ્પેન્ડ એન્જિનિયરો પાસે સસ્પેન્શનની જાણકારી મંગાવવામાં આવી છે.જીબીયાના સૂત્રોનુ કહેવુ છે કે, જો એન્જિનિયરોને ખોટી રીતે સસ્પેન્ડ કરાયા હોવાનુ લાગશે તો આ મુદ્દે સત્તાધીશો સમક્ષ રજૂઆત પણ કરવામાં આવશે.