વડોદરા: સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોતાની માગણીઓ અંગે દેખાવો
કાળી પટ્ટી ધારણ કરી રામધૂન બોલાવી, પ્રમોશન અને પગાર વિસંગતતા દૂર કરવા માંગણી
વડોદરા, તા. 28 નવેમ્બર 2023 મંગળવાર
સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ આજે બપોરે રિસેસના સમયે વડોદરામાં કુબેર ભવન નીચે એકત્રિત થઈ પોતાની પડતર માંગણીઓ અંગે કાળી પટ્ટી ધારણ કરી રામધૂન બોલાવી હતી અને સરકાર પાસે અપેક્ષા વ્યક્ત કરી હતી કે તેઓની માગણીઓનો જલ્દી ઉકેલ લાવવામાં આવે .સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મુખ્યત્વે ત્રણ માગણી છે .અગ્રણીઓના જણાવ્યા અનુસાર તેઓને સમયસર પ્રમોશન મળતું નથી, અને આ પ્રમોશન માટે દર વખતે સંઘર્ષ કરવો પડે છે. જગ્યા ખાલી હોવા છતાં પણ વિભાગની અંદર લાયક અધિકારીઓ હોવા છતાં બહારથી અધિકારીઓ લાવીને તેઓની માથે થોપી દેવામાં આવે છે. આ અધિકારીઓ અહીંની ટેકનિકલ કામગીરીમાં બરાબર સેટ પણ થતા નથી. એવો આક્ષેપ આ અગ્રણીઓ કરીને જણાવ્યું હતું કે બહારના અધિકારીઓને પરત તેઓના મૂળ સ્થાને મોકલી દેવા જોઈએ. આ ઉપરાંત પગાર વિસંગતતાનો પ્રશ્ન પણ કર્મચારીઓ અને અધિકારીઓમાં અસંતોષ ફેલાવી રહ્યો છે .એક તબક્કા સુધી બીજા વિભાગના અધિકારીઓ સાથે તેઓનો પગાર ગ્રેડ કોમન હોય છે, પરંતુ ત્યાર પછી જ્યારે પ્રમોશન મળે છે ત્યારે વિસંગતતા શરૂ થાય છે .જેના કારણે સ્ટેટ જીએસટી ના અધિકારીઓ અને કર્મચારીઓની સિનિયોરીટી અને પેન્શનમાં પણ નુકસાન થવા સાથે આર્થિક ફટકો પડશે, તે ભય વ્યક્ત કર્યો હતો. આ અગાઉ પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. અગ્રણીઓએ કહ્યું હતું કે ચૂંટણી હોય કે કોરોના જેવી કોઈ વિપદા હોય ત્યારે સૌ પ્રથમ જીએસટી વિભાગના સ્ટાફને યાદ કરવામાં આવે છે ,અને તેઓ પાસેથી કામ કરાવવામાં આવે છે, પરંતુ તેઓની કદર કરવામાં આવતી નથી .હાલ પોતાની માંગણીઓ વ્યક્ત કરવા પ્રાથમિક સ્તરે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, અને જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ફેડરેશનના આદેશ મુજબ આંદોલનાત્મક દેખાવો ચાલુ રાખવામાં આવશે, તેમ અગ્રણીઓએ જણાવ્યું હતું.