વડોદરામાં સંગમ ચાર રસ્તા પાસે સહજાનંદ સોસાયટીમાં કોમર્શિયલ બિલ્ડિંગની માર્જિનની જગ્યામાં થયેલા ગેરકાયદે બાંધકામનો સફાયો
commercial building near Sangam Char Rasta in Vadodara
Vadodara Demolition : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા સંગમ ચાર રસ્તા વિસ્તારમાં આવેલ વોર્ડ નં.4ની ઓફિસની બાજુમાં સહજાનંદ સોસાયટીમાં બનાવેલા કોમર્શિયલ બિલ્ડિંગમાં માર્જિનની જગ્યામાં કરાયેલા આઠ ફૂટ જેટલા સતત ત્રણ માળના ગેરકાયદે બાંધકામનો સફાયો પાલિકાની દબાણ શાખાએ બુલડોઝર ફેરવવા સહિત મેન્યુઅલી હથોડા ઝીંકીને કર્યો હતો. આ દરમિયાન એકત્ર થયેલા સ્થાનિક લોકોને પોલીસે સંયમતાપૂર્વક રોક્યા હતા. ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા આ ગેરકાયદે બાંધકામ બાબતે મકાન માલિકને અગાઉ ત્રણ વાર નોટિસ આપવા છતાં મકાન માલિક નોટિસને ઘોળીને પી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના પૂર્વ વિસ્તારમાં સંગમ ચાર રસ્તા નજીકની વોર્ડ-4ની ઓફિસ પાસે સહજાનંદ સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં બનાવવામાં આવેલા કોમર્શિયલ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર સહિત બે માળના બાંધકામમાં માર્જિનની જગ્યામાં સાતથી આઠ ફૂટ જેટલું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. આ અંગેની જાણ પાલિકાની દબાણ શાખા સહિત ટાઉન ડેવલપમેન્ટ ઓફિસ વિભાગમાં પણ થઈ હતી. પરિણામે જે તે વિભાગ દ્વારા ગેરકાયદે બાંધકામ કરનાર માલિકને સમયાંતરે કુલ ત્રણ નોટિસો પાઠવવામાં આવી હતી. આ નોટિસોમાં જણાવ્યું હતું કે માર્જિનની જગ્યામાં કરાયેલું સાતથી આઠ જેટલા ફૂટનું બાંધકામ ગેરકાયદે છે અને તાત્કાલિક ધોરણે સ્વખર્ચે દૂર કરવા નોટિસમાં જણાવ્યું હતું. પરંતુ સહજાનંદ સોસાયટીના કોમર્શિયલ બિલ્ડીંગના માલિક પાલિકા દ્વારા મળેલી ત્રણેય નોટીશો ઘોળીને પી ગયા હતા. પરિણામે પાલિકાની દબાણ શાખા સહિત ટીડિયોના સ્ટાફ સહિત 30 જેટલા કર્મીઓ હથોડા પાવડા લઈને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં વિસ્તારનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે ઉપસ્થિત હતો. નિયત સમયે પાલિકાની દબાણ શાખાની ટીમે બુલડોઝરના સહારે આ ગેરકાયદે બાંધકામ તોડવાનું શરૂ કર્યું હતું જ્યારે ઉપસ્થિત પાલીકા સ્ટાફે હથોડા ઝીકીને અન્ય બાંધકામ પણ તોડી પાડ્યું હતું. આ સમયે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા પરંતુ પોલીસ સ્ટાફે તમામને શાંતિપૂર્વક સમજાવીને કાર્યવાહીથી દૂર રાખ્યા હતા.