સરદાર પટેલ માર્કેટની જર્જરિત બિલ્ડિંગ તોડતા ગેસલાઇન તૂટતા ૨૫ હજાર ઘરમાં ગેસ બંધ
નજીકના મકાનની દીવાલને પણ નુકસાન : મોડી સાંજે રિપેરિંગ કાર્ય પૂર્ણ થતા ગેસ પુરવઠો પૂર્વવત થયો
વડોદરા, વડોદરા કોર્પોરેશનની જન્મ મરણ અને લગ્ન નોંધણી વિભાગની ઓફિસ જે ખખડધજ બિલ્ડિંગમાં હતી, તેની તોડફોડ દરમિયાન ગેસ લાઇન તોડી નાખતા કલાકો સુધી ગેસ પુરવઠો બંધ રહેતા લોકો રખડી પડયા હતા.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કેવડાબાગ સામેની સરદાર પટેલ માર્કેટ ખાતે જૂની જન્મ મરણ, નોંધણી વિભાગની ઓફિસ આવી હતી. આ બિલંડિંગ જર્જરિત હોવાથી તેને નોટિસ આપતા તોડી પાડવાની કામગીરી છેલ્લા ૧૫ દિવસથી ઇજારદાર દ્વારા કરવામાં આવી રહી હતી. જે દરમિયાન આજે બપોરે ગેસ લાઇન તોડી નાખી હતી જેના કારણે ૨૫ હજાર ઘરમાં ગેસ પુરવઠો બંધ થઇ જતા બપોરના સમયનું જમવાનું રખડી પડયું હતું.
નવાપુરા વિસ્તાર ઉપરાંત આરવી દેસાઇ રોડ, લાલબાગ, કુંભારવાડા, બગીખાના, ધાયબર સોસાયટી, રાજરત્ન, રાજસ્થંભ, કાશી વિશ્વનાથ સોસાયટી, એસઆરપી કવાર્ટર્સ સહિતના વિસ્તારોના લોકો ગેસ પુરવઠો બંધ થતા તકલીફમાં મુકાઇ ગયા હતા.
આ અંગે વિસ્તારના વોર્ડ નં.૧૩ના કોંગ્રેસની સિનિયર કોર્પોરેટરે જયાં તોડફોડ થઇ હતી ત્યાં સ્થળ પર પહોંચીને ગેસ વિભાગને જાણ કરતા ટીમે સ્થળ પર પહોંચી રિપેરિંગ શરુ કર્યુ ંહતું. સાંજે ૬ વાગ્યા સુધી રિપેરિંગ ચાલુ રહ્યું હતું અને ત્યારબાદ કામ પૂર્ણ થતા ગેસ પુરવઠો ચાલુ કર્યો હતો. તોડફોડ દરમિયાન બાજુની ગલીના મકાનની દીવાલ પણ તોડી નાખી હોવાનુું કોર્પોરેટરે જણાવ્યું હતું.