આજે દશામાની મૂર્તિઓનું વિસર્જન : ટ્રાફિક ડાયવર્ઝન અને ભારદારી વાહનો માટે નો એન્ટ્રી
છેક વિસર્જન સ્થળ સુધી મ્યુઝિક સિસ્ટમ લઇને જઇ શકાશે નહીં : રાતે આઠ વાગ્યાથી જાહેરનામાનો અમલ શરૃ
વડોદરા,આવતીકાલે રાતે આઠ વાગ્યાથી શહેરમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન શરૃ થનાર છે. તેને અનુલક્ષીને પોલીસ દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન તેમજ ભારદારી વાહનોના પ્રવેશ પ્રતિબંધ અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. તેમજ છેક વિસર્જન સ્થળ સુધી મ્યુઝિક સિસ્ટમ લઇ જવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
શહેરમાં અલગ - અલગ સ્થળે દશામાની નાની મોટી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. દશ દિવસના આતિથ્ય પછી આગામી ૧૩ મી તારીખે મૂર્તિઓનું વિસર્જન થનાર છે. વાઘોડિયા રોડ એસ.એસ.વી. સ્કૂલ પાસે તથા સમા લિંક રોડ કૃત્રિમ તળાવ, ગોરવા દશામાના મંદિર પાસેના તળાવ તથા હરણી તળાવમાં મૂર્તિઓનું વિસર્જન થનાર છે. તેને અનુલક્ષીને પોલીસે ટ્રાફિક ડાયવર્ઝન અંગેનુ જાહેરનામુ બહાર પાડયું છે. જેમાં સોમા તળાવ અને ગુરૃકુળ સર્કલ તરફથી એસ.એસ.વી. સ્કૂલ કૃત્રિમ તળાવ તરફ જઇ શકાશે નહીં.
સમા ડમરૃ સર્કલ, એબેક્સ સર્કલથી સમા લિંક રોડ કૃત્રિમ તળાવ તથા ઉર્મિ બ્રિજ ત્રણ રસ્તાથી હરણી જૂના જકાત નાકા જઇ શકાશે નહીં.હરણી જૂના જકાત નાકા સર્કલથી ગદા સર્કલ તરફના રોડ પર જઇ શકાશે નહીં. તેમજ આવી શકાશે નહીં.
ગોરવા રળિયાતબા નગરથી ગોરવા તળાવ તરફ, આનંદવન કોમ્પલેક્સ ત્રણ રસ્તાથી ગોરવા આઇ.ટી.આઇ., ગોરવા રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટથી ઇલોરાપાર્ક તથા ગોરવા સર્વેશ્વર ફ્લેટ ત્રણ રસ્તાથી ગોરવા તળાવ તરફ જઇ શકાશે નહીં. એસ.ટી. બસ સહિતના ભારદારી વાહનો ગોલ્ડન બ્રિજથી , દેણા બ્રિજથી તથા માણેક પાર્ક સર્કલથી ગોલ્ડન ચોકડી તરફ જઇ શકશે નહીં.