તોડી પાડીને નવી બનાવેલી જેલ રોડ ટાંકી આજથી શરૃ થશે
કોઠી, ટાવર, દાંડિયાબજાર, નાગરવાડા, સલાટવાડા વિસ્તારોમાં લોકોને રાહત થશે
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેલરોડ ખાતે નવી બનાવેલી ઓવરટાંકી ખાતેથી પાણીનું વિતરણ તા.૫થી શરૃ કરવામાં આવનાર છે.
જેલ રોડ ઉપર આવેલી જેલ ટાંકીથી ઉત્તરઝોનના વહીવટી વોર્ડ નં.૧૩ તથા પૂર્વ ઝોન વહીવટી વોર્ડ નં.૧૪ના કેટલાક વિસ્તારો જેમ કે, કોઠી ચાર રસ્તાથી ટાવર ચાર રસ્તા, દાંડિયાબજાર તરફના વિસ્તારો - સલાટવાડા, નાગરવાડાના આસપાસના વિસ્તારો, રાજમહેલ રોડની આસપાસના વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવતું હતું. આ ટાંકી ૧૯૭૧માં બનાવવામાં આવી હતી, અને ૪૭ વર્ષ બાદ તે જર્જરિત થઇ હતી. આ ઉંચી ટાંકીનું સપોટીંગ સ્ટ્રકચર વીક પડી જવાના કારણે તોડીને નવી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલ ટાંકી તોડતા પહેલા ૩૬.૪૨ લાખ લીટરના બે ભૂર્ગભ સમ્પ તથા ૨૪.૪૩ લાખ લીટરનો એક ભૂર્ગભ સમ્પ બનાવી બુસ્ટીંગ સિસ્ટમથી પાણી પહોંચાડવામાં આવતું હતું અને ત્યારબાદ જેલ ટાંકીને તોડવામાં આવી હતી, તેમ જણાવી કોર્પો.ની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સ્વર્ણિમ યોજના અંતર્ગત નવી ટાંકી, પંપરૃમ, મશીનરી તેમજ પાંચ વર્ષના સંચાલન અને નિભાવણી સાથેનું રૃા.૯.૮૯ કરોડનું કામ આપવામાં આવ્યું હતું. નવી ટાંકી બનતા ઉક્ત વિસ્તારોમાં પીવાના પાણીના પ્રેશરના પ્રશ્નો હલ થશે તેવું જણાઇ રહ્યું છે.