વડોદરાના દંતેશ્વરમાં ઓટલા, કમ્પાઉન્ડ સહિતના દબાણો દૂર કરાયા
વડોદરા,તા.1 ડિસેમ્બર 2023,શુક્રવાર
વડોદરાના દંતેશ્વર ખાતે મુખ્ય માર્ગ પર ઉભા થયેલા ઓટલા, કમ્પાઉન્ડ વોલ, રેમ્પ સહિતના દબાણ દૂર કરાયા હતા.
શહેરના દંતેશ્વર વિસ્તારમાં દંતેશ્વર તળાવથી દર્શનમ હાઈટસ્ સુધીના માર્ગ પર કેટલાક લોકોએ પોતાના મકાનનો વધારાનો ભાગ બાંધી લીધો હતો. તેઓએ મકાનની બહાર કમ્પાઉન્ડ વોલ, ઓટલા, રેમ્પ વગેરે બનાવી દેતા મુખ્ય માર્ગ સાંકડો થઈ ગયો હતો. જેથી ટ્રાફિક વ્યવહારને અસર થઈ હતી. પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે અહીં દબાણ કર્તાઓને તેમના દબાણ સૈચ્છિક રીતે દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં તેઓના દબાણ યથાવત રહેતા આખરે આજે પાલિકા તંત્રએ અહીં બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરી હતી.