વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ : રસ્તાને નડતરરૂપ દિવાલો તોડી
વડોદરા,તા.6 ઓક્ટોબર 2023,શુક્રવાર
વડોદરા શહેરમાં અનેક ઠેકાણે ગલી કુચી જાહેર રોડ અને અંતરિયાળ રસ્તે કાચા પાકા અને હંગામી દબાણો થઈ રહ્યા છે ત્યારે શહેરના દક્ષિણ વિસ્તારમાં વિકસિત અટલાદરા ટીપી 25 રોડ પર બાર મીટરના રસ્તે આવેલી સન ફાર્મા વિસ્તારમાં 800 મીટરના વિસ્તારમાં જાહેર રોડ પરથી કમ્પાઉન્ડ ફેન્સીંગ તથા ઓટલા તોડીને તંત્ર દ્વારા 800 મીટર જેટલું બાંધકામ તોડી વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે શહેરના દક્ષિણ વિસ્તારમાં વિકસી રહેલા અટલાદરા સન ફાર્મા રોડ પર સ્થાનિક રહીશોએ ઠેર ઠેર ગેરકાયદે કંપાઉન્ડ વોલ અને ઓટલા સહિત ફેન્સીંગ બનાવીને રસ્તા પરનું ગેરકાયદે દબાણ કરી નાખ્યું હતું. જેથી રસ્તો નિયત અંતરથી ટૂંકો થઈ ગયો હતો. આ અંગેની વારંવાર ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી.
જેથી પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમ ગઈ મોડી સાંજે અટલાદરા ટીપી સ્કીમ નંબર 25 અને 12 મીટરના ટીપી રોડ પર સ્થાનિક રહીશોએ ગેરકાયદે દબાણ કરીને પોતપોતાના મકાનોની આગળ કમ્પાઉન્ડ વોલ સહિત ફેન્સીંગ વાડ તથા વિસ્તારમાં કેટલાક જાળી ઝાંખરા ઊગી નીકળ્યા હતા પરિણામે નિયત અંતરથી રસ્તો સાંકડો થઈ જતા વાહન ચાલકને સતત અકસ્માતનો ભય રહેતો હતો. પરિણામે આ અંગે પાલિકા તંત્રને વારંવાર ફરિયાદો મળી હતી.
જેથી તંત્રની દબાણ શાખાની ટીમ ગઈકાલે બપોર બાદ અટલાદરા ટીપી 25 અને 12 મીટરના રોડ પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે પહોંચી ગઈ હતી. પાલિકાની દબાણ શાખાની ટીમે 800 મીટર જેટલા મેઇન રોડ પર સ્થાનિક રહીશોએ મકાનની બનાવેલી ગેરકાયદે કમ્પાઉન્ડ ફેન્સીંગ પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ ઉપરાંત વિસ્તારમાં ઉગી નીકળેલા જાડી જાફરા ના કારણે રસ્તો સાંકડો થઈ ગયો હતો પરિણામે આ જાડી જાખરા પણ દૂર કરવામાં આવ્યા હતા અને રસ્તો ખુલ્લો કરતાં વાહનચાલકોમાં ખુશીની લાગણી વ્યાપી હતી.
આ ઉપરાંત કારેલીબાગ વુડા સર્કલ પાસે આવેલી અને જલારામ સોસાયટી સામેની હોસ્પિટલ આસપાસ ઉભી રહેતી થાણી પીણીની અને ચા પાણીની લારીઓ સહિત ગેરેજ વાળાને પાલિકાની દબાણ શાખાએ ચિમકી આપીને ખસેડી દીધા હતા. ઉપરાંત તેમને જણાવ્યું હતું કે હવે પછી દબાણ કરશો તો માલ સામાન કબજે લેવાશે એવી જ રીતે ગોલ્ડન ચોકડી વિસ્તારમાંથી આઇસર ટેમ્પો તથા અન્ય એક ટેમ્પો મળીને બે ટેમ્પા કબજે લેવાયા હતા.
ઉપરાંત જીએસએફસી રોડ પરથી સફરજનના બે ટેમ્પા કબજે લેવાયા હતા. જોકે દબાણ શાખાની ટીમે માનવતા દાખવીને ટેમ્પોમાંથી સફરજનનો જથ્થો ખાલી કરાવી નાખ્યો હતો. આ ઉપરાંત ખાણીપીણીની અન્ય બે લારીઓ સહિત પ્લાસ્ટિકની 10 ક્રેટ કબજે લીધી હતી. ઉપરાંત ખંડેરાવ માર્કેટ વિસ્તારના મેયર ગેટ થી જયરત્ન બિલ્ડીંગ સુધીમાં નાળિયેર ભરેલા આઇસર ટેમ્પો પણ પાલિકા તંત્રની દબાણ શાખાએ કબજે લીધા હતા.