આજે લોકશાહીનો 'અવસર' : 13.57 લાખ મતદારોનો દિવસ
લોકસભાની ચૂંટણી અંતર્ગત આજે મતદાનનો દિવસઃમતદારોમાં ભારે
ઉત્સાહ
૧,૩૨૦ મતદાન મથકોમાં ૬,૬૦૦ પોલીંગ સ્ટાફ સાથે દસ હજાર કર્મીઓ ફરજ બજાવશે સવારે સાત વાગ્યાથી મતદાન શરૃ
લોકસભા ચૂંટણીની છેલ્લા બે મહિનાઓથી તૈયારી કરવામાં આવતી
હતી ત્યારે આવતીકાલે આ ચૂંટણી પર્વ અંતર્ગત મતદાનનો અવસર આવી ગયો છે.લોકસભાની
ચૂંટણી અંતર્ગત ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો, ગાંધીનગર
જિલ્લાની ગાંધીનગર દક્ષિણ,
ગાંધીનગર ઉત્તર, કલોલ, દહેગામ અને માણસા
વિધાનસભા મતવિભાગમાં પણ આ લોકશાહીનું પર્વ ઉજવાશે જેમાં જિલ્લાના ૧૩,૫૭,૩૬૪ મતદારો
પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં ૧૩૨૦ જેટલા મતદાન મથકો નિયત કરવામાં
આવ્યા છે જેમાં દહેગામ વિધાનસભામાં ૨૪૩, ગાંધીનગર
દક્ષિણમાં ૩૫૬, ગાંધીનગર
ઉત્તરમાં ર૪૧, માણસામાં
ર૪૮ અને કલોલમાં ર૩૨ મતદાન મથકોનો સમાવેશ થાય છે. આજે સવારથી જિલ્લા ચૂંટણી તંત્ર
દ્વારા વિવિધ પાંચ ડીસ્પેચીંગ સેન્ટર ખાતેથી મતદાન મથકોના ઈવીએમ પોલીંગ સ્ટાફ સાથે
ચાંપતા સલામતી બંદોબસ્ત વચ્ચે રવાના કરવામાં આવ્યા હતા. આ મતદાન મથકોમાં ૬,૬૦૦ પોલીંગ
સ્ટાફની સાથે કુલ દસ હજાર જેટલા કર્મચારીઓ ફરજ બજાવવાના છે.શાંતિપુર્ણ માહોલમાં
ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ખાસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ
વિવિધ ટીમો પણ તહેનાત કરવામાં આવી છે. મથકમાં લાઇનો સર્જાય નહીં અને ઝડપથી મતદાન
થાય તેવી વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પણ ઝોનલ તથા સેક્ટર ઓફિસરોને સુચના આપવામાં
આવી છે.
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મેહુલ કે. દવે
દ્વારા મતદારોને નિર્ભયપણે અવશ્ય પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના અવસરમાં
જોડાઈ ઉંચુ મતદાન કરવા માટે પણ અપીલ કરાઈ છે. સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ કલાક સુધી
ચાલનારા આ મતદાન પ્રકિયા પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ નિયત રૃટ ઉપરથી સે-૧પ આર્ટસ
એન્ડ કોમર્સ કોલેજ ખાતે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગરૃમમાં મુકી દેવામાં આવશે અને
તા.૪ જુનના રોજ આ ઈવીએમ તબક્કાવાર ખુલતાંની સાથે લોકચુકાદો પણ જાણવા મળશે.