વિઝા કન્સલટન્ટ પાસે પાંચ લાખ માંગી મારી નાંખવાની ધમકી આપી
મારા પર એફ.આઇ.આર. થયા પછી એક જ દિવસમાં છૂટી ગયો છું, તને મારી નાંખીશ
વડોદરા,આંકડા જુગારનો ધંધો કરતી મહિલાએ નોંધાવેલી ફરિયાદની રિસ રાખીને તે કેસમાં સંડોવાયેલા માથાભારે આરોપીએ અન્ય એક યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માણેજા તુલસી વાટિકા સોસાયટીમાં રહેતો આશિષ હર્ષદભાઇ બારોટ વિઝા કન્સલટન્સીનું પણ કામ કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા.૭મી નવેમ્બરે હું તથા મારા મિત્રો રાહુલ અને તુષાર જાંબુવા પાસે અંબા માતાના મંદિર નજીક બેઠા હતા. રાતે સાડા અગિયાર વાગ્યે અક્ષય ઉર્ફે ડોન અશોકભાઇ સોલંકી ( રહે. શિવમ પેરેડાઇઝ, મકરપુરા, મૂળ રહે. જાંબુવા વુડાના મકાનમાં) એ મને ફોન કરીને કહ્યું હતું કે,બારોટ એક મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં મારા વિરૃદ્ધ ખંડણીની જે અરજી કરી છે તે કામ તારૃં છે. જેથી, મેં તેને કહ્યું કે, તું મોટો ડોન છે.હું તારા વિરૃદ્ધમાં કઇરીતે જઇ શકુ. થોડીવાર પછી અક્ષય હું બેઠો હતો ત્યાં આવ્યો હતો. તેણે મને ધમકી આપતા કહ્યું કે, મારી પાસે પુરાવા નથી પણ જો મહિલાએ મારા પર એફ.આઇ.આર. દાખલ કરાવી તો હું તને છોડીશ નહીંં. તારા બંને હાથ કાપી તને જાનથી મારી નાંખીશ. હું તથા મારો મિત્ર રાહુલ અને તુષાર ભોલે તેને સમજાવતા તે ત્યાંથી જતો રહ્યો હતો.
ત્યારબાદ તા.૧૦મી એ બપોરે મારા પર કોલ આવ્યો હતો કે, હું અક્ષય બોલું છું. બારોટ તું ક્યાં સુધી બચીને રહીશ? મારા પર એફ.આઇ.આર. કરાવ્યા પછી એક જ દિવસમાં છૂટી ગયો છું. ત્યારબાદ રાતે સાડા અગિયાર વાગ્યે હું તથા મારા મિત્રો સતી માતા હોટલ પાસેથી પસાર થતા હતા. તે સમયે અક્ષયે મને ઉભો રાખીને ચપ્પુથી હુમલો કરવાની કોશિશ કરી એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
બીજે દિવસે સમાધાન માટે અક્ષયને મારા મિત્રો મળ્યા ત્યારે તેણે એવી ધમકી આપી હતી કે, બારોટને હું ખોટા કેસમાં ફસાવી દઇશ અને જાનથી મારી નાંખીશ. તેને કહેજો કે, સમાધાન કરવું હોય તો પાંચ લાખ આપવા પડશે.