આદિવાસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પુનઃ શરૃ કરવા માગ
સરકારે તાજેતરમાં આ અંગે કરેલો પરિપત્ર રદ કરવા રજૂઆત
વડોદરા,સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણયનો કોંગ્રેસે વિરોધ કરીને તે પુનઃ શરૃ કરવાની માગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે કેન્દ્ર સરકારે ૧ જુલાઇ ૨૦૧૦ થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના અમલી બનાવી હતી. આ યોજનામાં કેન્દ્ર સરકારે ૭૫ ટકા અને ૨૫ ટકા રાજ્ય સરકારે ભોગવવાના હતા. આ યોજનામાંથી આદિવાસી સમાજના એટલે કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિની યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજના મુજબ મેનેજમેન્ટ ક્વોટામાં પણ આદિવાસી સમાજનો વિદ્યાર્થી પ્રવેશ મેળવે તો તે શિષ્યવૃત્તિને હકદાર બનતો હતો. જો કે સરકારે આ શિષ્યવૃત્તિને બંધ કરતા તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડીને હવે પછી કોઇપણ આદિવાસી બાળક (અનુસૂચિત જનજાતિનો વિદ્યાર્થી) મેટ્રિક પછી મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવે તો તેને શિષ્યવૃતિ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. જેથી આ શિષ્યવૃત્તિ પુનઃ શરૃ કરવા માગ થઇ છે.