વડોદરા શિક્ષણ સમિતિની સયાજી ગંજ સ્થિત મરાઠી શાળાના જર્જરીત મકાનને નીચે ઉતારી લઈ નવું બનાવવા માંગણી
- ગુજરાતી શાળાના મકાનને પણ નવું બનાવવા કોર્પોરેશનના બજેટમાં સમાવેશ કરવા કોર્પોરેશનમાં કમિશનરને રજૂઆત
વડોદરા,તા.02 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
વડોદરામાં હરણી તળાવ ખાતે બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશન સંચાલિત નગર શિક્ષણ સમિતિની છ શાળાની બિલ્ડીંગ નો ઉપયોગ બંધ કરવા આદેશ કર્યો છે .તેમાં એક બિલ્ડીંગ સયાજીગંજ વિસ્તાર ખાતે આવેલી માધવરાવ ગોવલકર મરાઠી શાળા છે. પરંતુ આ શાળા પરિસરમાં આવેલી ગુજરાતી શાળા હજુ ચાલુ રાખવામાં આવી છે. મરાઠી શાળાના જર્જરીત મકાનને ધ્યાનમાં રાખીને ગુજરાતી શાળાના બાળકોની સલામતી ન વિચાર કરીને આ શાળા પણ બંધ કરી અન્ય સ્થળે લઈ જવા માગ કરી છે. આ સ્થળે શાળાનું નવું બિલ્ડીંગ બનાવવા કમિશનરને આજરોજ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે .બંને બિલ્ડિંગ નો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મેળવીને કોર્પોરેશન ના નવા બજેટમાં તેનો સમાવેશ કરી નવી બિલ્ડીંગ બનાવવા કમિશનરને સૂચવતા તેમણે ખાતરી આપી હોવાનું વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરે જણાવ્યું છે . જોકે મરાઠી શાળાના બિલ્ડીંગ અંગે અગાઉ કોર્પોરેશન દ્વારા સ્ટ્રકચરલ ટેસ્ટ કરાવવામાં આવતા સ્ટ્રક્ચર ટેકનીકલ રીતે સક્ષમ ન હોવાનું કારણ બહાર આવતા આ બિલ્ડિંગ નો કોઈપણ ભાગનો ઉપયોગ નહીં કરવા તાકીદ કરવામાં આવેલી અને શાળા પર નોટિસ પર ચિપકાવી દેવામાં આવી હતી. આ બિલ્ડિંગ ની પાછળ મગનભાઈ શંકરભાઈ પટેલ શાળા આવેલી છે, અને આ શાળામાં ભણતા બાળકો આ જર્જરીત બિલ્ડીંગ નીચેથી જ આવજા કરે છે. જે જર્જરીત બિલ્ડીંગ ને ધ્યાનમાં રાખતા જોખમી કહી શકાય. ગયા મે મહિનામાં આ જર્જરીત મકાન નીચે ઉતારી લેવા કહ્યું હતું.શાળાની બિલ્ડિંગના પાયામાં મોટી તિરાડો પડેલી છે. કઠેડા પણ તુટી ગયા છે, તેમજ છત પરથી પોપડા પડી રહ્યા છે. સ્લેબના સળિયા દેખાઇ રહ્યા છે. એક જ પરિસરમાં શાળા ચાલતી હોવા છતાં મરાઠી શાળાને ભયજનક ગણાવી નોટીસ આપી બંધ કરવામાં આવી અને ગુજરાતી શાળા હાલ ચાલુ રાખવામાં આવી છે.