વડોદરામાં શોભાના ગાંઠિયા સમાન સ્ટેશન પાસેના સ્કાય વોકના સ્ટ્રક્ચરને નીચે ઉતારી લેવા માગણી
- છેલ્લા બાર વર્ષમાં સ્કાય વોકના સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની ચકાસણી થઈ નથી
- રંગ રોગાન થયું નથી
- રેલવે સ્ટેશનથી જનમહેલ અને એસટી ડેપો જવા મુસાફરો માટે અંડરગ્રાઉન્ડ સબવે બનાવવો જોઈએ
વડોદરા,તા.3 નવેમ્બર 2022,ગુરૂવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મોરબી દુર્ઘટના બાદ વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલા અને ખખડધજ બની ગયેલા સ્કાય વોકને સલામતી અને રીપેરીંગ માટે બંધ કર્યો છે. આ બ્રિજ પર પતરાની પ્લેટો તથા ઉપરનો ભાગ જર્જરીત બનતા તેનું રીપેરીંગ કરવામાં આવશે, અને રીપેરીંગ કરાયા બાદ ફરી અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવશે તેમ જણાવાયું છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ બ્રિજનો ઉપયોગ લોકોએ બહુ ઓછો કરી દીધો છે. દરમિયાન ગયા વર્ષે પણ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા જોખમી બનેલા સ્કાય વોકને નીચે ઉતારી લેવા માંગણી કરી હતી. કારણ કે આ સ્કાય વોક શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે.
1.89 કરોડના ખર્ચે વર્ષ 2008-09માં આ સ્કાયવોકની કામગીરી શરૂ કરી હતી અને 2010માં પૂર્ણ થઈ હતી. 148 મીટરની લંબાઈ ધરાવતા સ્કાયવોક પર ત્રણ સ્થળેથી આવજા થઈ શકે છે. જે તે સમયે સિટિબસ સ્ટેશન સ્કાય વોક પાસે હતું, ત્યારે રેલવેથી આવતા હજારો મુસાફરોને બસના ઉપયોગ માટે સ્કાયવોક સવલતભર્યો હતો, પરંતુ જ્યારથી બસ સ્ટેશન જનમહેલમાં ખસેડાયું છે, એટલે મુસાફરો એ સ્કાય વોકનો ઉપયોગ પણ નહીંવત કરી નાખ્યો છે. હવે મુસાફરો રોડ ક્રોસ કરીને જન મહેલ જાય છે. દરમિયાન વિરોધ પક્ષ કોંગ્રેસ ના નેતાએ તે વખતે કહ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં આ સ્કાય વોકના સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની ચકાસણી થઈ નથી, તેનું રંગ રોગાન થયું નથી. હાલત જર્જરીત છે, ચોમાસા વખતે વરસાદમાં અને તે અગાઉ વાવાઝોડામાં શહેરમાં અમુક સ્થળે લગાવેલા ગેન્ટ્રી ગેટ નીચે પડી ગયા હતા, આ સ્ટ્રકચર પણ નીચે પડી જાય તેમ છે. જેના કારણે જાનમાલને નુકસાન ન થાય તે માટે સ્કાય વોક નીચે ઉતારી લેવો જોઈએ. જે તે સમયે જન મહેલની ડિઝાઇન બનાવી હતી ત્યારે રેલ્વે સ્ટેશનથી સીટી બસ સ્ટેશન અને એસટી ડેપો જવા માટે અંડરગ્રાઉન્ડ સબવે બનાવવાની વાત હતી, તે કામ પણ થયું નથી અને તેની પણ તપાસ કરવા માગણી કરવામાં આવી હતી, છતાં તે દિશામાં કોઈ કાર્યવાહી થઈ નથી.