વડોદરા: સરદાર પટેલ માર્કેટ ખાતે ઢોરવાડા કરતા વોર્ડ નંબર 13 ની ઓફિસ બનાવવા માંગણી
અગાઉ કોર્પોરેશનની સભામાં ખાતરી અપાઈ હતી, નવી વોર્ડ ઓફિસ બનાવવા છેલ્લા આઠ વર્ષથી માંગ થઈ રહી છે
હાલ તાંબેના વાડા ની ઓફિસ વોર્ડના રહીશોને દૂર પડે છે
વડોદરા, તા. 04 ડિસેમ્બર 2023 સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા.1-4-22 થી 19 ચૂંટણી વોર્ડ મુજબ 19 વહીવટી વોર્ડ ઓફિસની રચના કરવામાં આવી હતી. દરેક વહીવટી વોર્ડમાં વોર્ડ ઓફિસને તેનું બિલ્ડીંગ આપવા નિર્ણય થયા બાદ તાજેતરમાં બે ત્રણ વોર્ડ ઓફિસ નવી બનાવવાની દરખાસ્ત પણ મંજૂર થઈ છે ત્યારે વહીવટી વોર્ડ નંબર 13 ને પોતાની નવી વહીવટી વોર્ડ ઓફિસ આપવા કોર્પોરેશનમાં આઠ વર્ષ અગાઉ રજૂઆત થઈ હતી ,પરંતુ તેમાં કોઈ પ્રગતિ થઈ નથી. કોર્પોરેશન કેવડા બાગમાં સરદાર પટેલ માર્કેટ ખાતે ઢોરવાડો બનાવવા જઈ રહી છે ત્યારે આ જ સ્થળે વહીવટી વોર્ડ ઓફિસ બનાવવા અગાઉ કોર્પોરેશનની સભામાં વોર્ડ નંબર 13 ના સિનિયર કોંગ્રેસના કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યો હતો ,ત્યારે તેમને ખાતરી અપાઈ હતી કે સરદાર પટેલ માર્કેટયાર્ડ ખાતે વોર્ડ ઓફિસ બનાવવામાં આવશે. અહીં ઢોરવાડો બનાવવા કરતાં વોર્ડ ઓફિસ બનાવવા તેમણે ફરીવાર માંગ કરી છે. તેમણે કહ્યું છે કે હાલમાં નં-13ની કચેરી તાંબેના વાડા, દાંડીયાબજાર ખાતે અંદરના ભાગે આવેલી હોવાથી વિસ્તારની દ્રષ્ટિએ અરજદારોને દૂર પડે છે અને અંદરના ભાગે હોવાથી લોકોને જલ્દી મળતી પણ નથી. વોર્ડ નં-13 નો વિસ્તાર ખૂબ જ મોટા પ્રમાણમાં છે .જેમાં પ્રતાપનગર, લાલબાગ, વિશ્વામિત્રી બ્રીજ નીચે સમગ્ર વિસ્તાર આવે છે. વોર્ડ નં-13 ની કચેરી તાંબેના વાડામાં ખૂણામાં ઇલેક્શન વોર્ડ નં-14 પુરો થાય ત્યા આવેલ છે. વહીવટી વોર્ડ નં-13જે અગાઉ વહીવટી વોર્ડ નંબર 5 તરીકે ઓળખાતો હતો, તેની જુની કચેરી શહેરના શિયાબાગમાં હતી .જે નવી બનાવવા વહીવટી પ્રક્રીયા વર્ષ 2013-14 માં પૂરી કરીને વર્ષ 2014-15માં મંજૂરી અર્થે ફાઇલ મોકલી હતી, અને સમગ્ર સભાએ મંજુર કરેલ છે .આ વાતને આજે 8 વર્ષ થઈ ગયા છતાં હજુ સુધી બનાવેલ નથી. બીજા વોર્ડની કચેરીઓ જુની તોડી નવી બાંધવામાં આવેલ છે પછી માત્ર આ વોર્ડને જ કેમ બાકાત રાખવામાં આવે છે તે સવાલ ઉઠાવ્યો હતો.