યુનિ.કેમ્પસમાં સિક્યુરિટીના વધુ ૫૦ પોઈન્ટ ઉભા કરવા માગણી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં કથળી રહેલી સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે કેમ્પસમાં સિક્યુરિટીના ૫૦ જેટલા પોઈન્ટ વધારવા માટે સિક્યુરિટી ઓફિસરે માગણી કરી છે.
યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આ માટે તેમણે પત્ર પણ લખ્યો છે અને કયા કયા સ્થળે સિક્યુરિટીના પોઈન્ટની જરુર છે તે પણ જણાવ્યું છે.૩૦૦ એકરમાં ફેલાવો ધરાવતા યુનિવર્સિટીના કેમ્પસમાં અત્યારે સિક્યુરિટીના ૨૦૦ જેટલા પોઈન્ટ છે.જોકે છેલ્લા કેટલાક દિવસોમાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધ્યાપકોના રહેણાક વિસ્તારમાં ઉપરા છાપરી ચોરીઓની ઘટના બની છે.ઉપરાંત કેમ્પસમાં પણ છાશવારે થતી મારામારીઓ અને બહારના તત્વોની ખુલ્લેઆમ અવર જવરના કારણે વિદ્યાર્થીઓ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે.
સિક્યુરિટી ઓફિસર એસ કે વાળાએ કહ્યું હતું કે, કેમ્પસમાં જે જે જગ્યાએથી સિક્યુરિટી વધારવાની માગણી અમારી પાસે આવી છે તેના આધારે વધારાના પોઈન્ટની માગણી કરી છે.કેમ્પસ મોટું છે તેમજ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાંથી કેમ્પસમાં પ્રવેશી શકાય તેમ છે.જેના કારણે સુરક્ષા વધારવા માટે વધારે ગાર્ડની જરુર છે.આવી સ્થિતિ વચ્ચે પણ અમે ચંદન ચોરીની ઘટનાઓ રોકવામાં સફળ થયા છે.ક્વાર્ટર્સમાં ચોરીઓના પ્રયાસોને પણ અમે નિષ્ફળ બનાવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, યુનિવર્સિટી કેમ્પસમાં એક કાયમી પોલીસ ચોકી સ્થાપવા માટે પણ એક વર્ષ પહેલા અરજી કરવામાં આવી હતી.જોકે તેના પર હજી કોઈ નિર્ણય નથી લેવાયો પણ પોલીસ તંત્રે આશ્વાસન આપ્યું છે કે, જ્યારે શહેરમાં નવી પોલીસ ચોકીઓ ઉભી કરાશે ત્યારે એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં પણ ચોકી સ્થાપવામાં આવશે.