વડોદરાના બે પૂર્વ મ્યુ.કમિશનરો સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરવા માગ
હાઇકોર્ટે બન્ને અધિકારીઓ સામે પગલાં લેવા આદેશ આપ્યા બાદ, હરણી બોટ દુર્ઘટનાના મૃતક બાળકો અને શિક્ષિકાઓના સ્વજનોએ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી
વડોદરા : હરણી તળાવમાં લેકઝોનમાં ગત.૧૮મી જાન્યુઆરીએ સર્જાયેલી બોટ દુર્ઘટનમાં શાળાના ૧૨ બાળકો અને બે શિક્ષિકાઓ મળીને ૧૪ના મોત થયા હતા. આ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે બે મ્યુનિસિપલ કમિશ્નરને પણ જવાબદાર ઠેરવ્યા છે ત્યારે મૃતકોના વાલીઓએ આજે વડોદરા પોલીસ કમિશનરને બન્ને અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ એફઆઇઆર નોંધવા માટે લેખિતમાં રજૂઆત કરી છે.
મૃતક બાળકોના વાલીઓ અને શિક્ષિકાઓના સ્વજનોએ કહ્યું હતું કે બે દિવસ પહેલા ગુજરાત હાઇકોર્ટે ૧૫ પાનાનાં હુકમમાં બોટ દુર્ઘટનાના કેસમાં વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ, પૂર્વ કમિશનર એચ.એસ પટેલને જવાબદાર ઠેરવ્યા છે અને બંને સામે શિક્ષાત્મક પગલાં લેવા પણ આદેશ આપવામાં આવ્યો છે. દુર્ઘટનાની તપાસ બાદ ઘટસ્ફોટ થયો છે કે લેક ઝોન કોન્ટ્રાક્ટર પાસે લાયકાત ન હોવા છતાં તે સમયના મ્યુનિસિપલ કમિશનરે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી. હાઈકોર્ટનું સમગ્ર મામલે અવલોકન છે કે પ્રોજેક્ટને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી નહોતી છતાં કમિશ્નરે મંજૂરી આપી દીધી હતી.
વાલીઓ કહે છે કે અમે બે મહિના અગાઉ તા.૨૭ મે ૨૦૨૪ના રોજ જે ફરિયાદ આપી હતી તેમાં પણ અમે આ બન્ને આધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરવા માટે કહ્યું હતું પણ ત્યારે તંત્ર બન્ને અધિકારીઓને બચાવી રહ્યું હતું હવે તો હાઇકોર્ટે પણ અમારી વાતને સમર્થન આપ્યુ છે ત્યારે વડોદરા પોલીસ કમિશનરે ફરિયાદ દાખલ કરવી જોઇએ. આજે અમે પોલીસ કમિશનરને મળવાનો પણ સમય માગ્યો હતો પરંતુ તેઓ અન્ય કામમાં વ્યસ્ત હોવાથી મળી શક્યા નહતા.