નદી કાંઠા પરના બધાં ગેરકાયદે બાંધકામો ૧ માસમાં દૂર કરવા માગ
ઘરદીઠ ૧૦ હજાર, મૃતકના પરિવારને ૨૫ લાખ અને વેપાર-ધંધાને નુકસાન બદલ પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગણી
વડોદરા,વડોદરામાં વિશ્વામિત્રી નદીના વિનાશક પૂરે વેરેલા નુકસાનની વિગતો એકત્રિત કરવા માટે કોંગ્રેસ તા.૫થી વડોદરાના તમામ ૧૯ વોર્ડમાં ઘેર ઘેર ફરીને સર્વે કરશે. કોંગ્રેસે ૧ મહિનામાં નદી કાંઠા પરના તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવા માગ કરી છે.
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાએ આજે અત્રે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરો એકેક પરિવારનો સંપર્ક કરશે અને પોતાના ઘરમાં શું નુકસાન થયું તેની વિગતો મેળવશે.
ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટના ફરીવાર ન થાય તે માટે શું કરવું તેના અભિપ્રાયો લઇને વિગતવાર હેવાલ તૈયાર કરશે. વડોદરામાં પૂર માટે મુખ્ય કારણરૃપ વિશ્વામિત્રીના કાંઠાના દબાણો ખુલ્લા કરવા, લોકોને નુકસાનીનું વળતર આપવા માટે કોંગ્રેસ લડાઇ લડશે.
તેમણે કહ્યું હતું કે કોર્પોરેશનમાં પ્રિ-મોનસૂનના નામે કરોડોનો ખર્ચ થાય છે. બોટો ધૂળ ખાતી પડી રહી, ખરા સમયે કામ ન લાગી. આજવા કે પ્રતાપપુરાના પાણીના નિકાલની યોજના સમયમર્યાદામાં સરકારે જાહેર કરવી જોઇએ.
નદી કાંઠા પર ગેરકાયદે બાંધકામો અંગે વિપક્ષના નેતાએ કહ્યું હતું કે નદી કાંઠા પરનો આર-વન ઝોન રદ કરી નદી કાંઠાને ગ્રીન ઝોન જાહેર કરવો જોઇએ. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભ્રષ્ટાચાર માટે મળતિયાઓને ફાયદો કરાવવા નદી કાંઠા પર ઝોનમાં ફેરફાર કરાયો હતો.
પૂરમાં અસરગ્રસ્ત દરેક પરિવારને નુકસાની બદલ ૧૦ હજારની સહાય આપવા ઉપરાંત પૂરમાં જીવ ગુમાવનાર મૃતકના પરિવારને ૨૫ લાખની મદદ કરવી જોઇએ એમ કહી તેમણે ઉમેર્યું હતું કે વેપારીઓને દુકાનો, ગોડાઉનો, ઓફિસો વગેરેમાં જે નુકસાન થયું છે તેને સર્વે કરીને ખાસ પેકેજ જાહેર કરવું જોઇએ.
વાહનોને થયેલા નુકસાન માટે સર્વે કરીને ઇએમઆઇ માફ કરવા સહિતનું પેકેજ આપવું જોઇએ.