Get The App

ડો.શ્રીવાસ્તવ સામે પોલીસ કમિશરને અરજી, વીસી બનવા ખોટો બાયોડેટા રજૂ કર્યાનો આક્ષેપ

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
ડો.શ્રીવાસ્તવ સામે પોલીસ કમિશરને અરજી, વીસી બનવા ખોટો બાયોડેટા રજૂ કર્યાનો આક્ષેપ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર  ડો.વિજયકુમાર શ્રીવાસ્તવ સામે વડોદરાના સંગઠન વડોદરા સિટિઝન ફોરમના સભ્યોએ આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીનેે ગંભીર આક્ષેપો કર્યા છે.

ફોરમે પોલીસને આપેલી અરજીમાં કહ્યું છે કે, ડો.શ્રીવાસ્તવ યુજીસીના નિયમો પ્રમાણે વાઈસ ચાન્સેલર બનવાની લાયકાત  ધરાવતા નથી.નિયમ પ્રમાણે વાઈસ ચાન્સેલર બનવા માટે પ્રોફેસર તરીકે ૧૦ વર્ષનો અનુભવ હોવો જરુરી છે.જ્યારે ડો.શ્રીવાસ્તવે વાઈસ ચાન્સેલર બનવા માટે પોતાનો જે બાયોડેટા રજૂ કર્યો હતો તેમાં ખોટી જાણકારી આપી હતી.

સંગઠને અરજીમાં જણાવ્યું છે કે, ૨૦૧૭ થી ૨૦૧૮ના સમયગાળામાં ડો.શ્રીવાસ્તવે પોતે કામધેનુ યુનિવર્સિટીમાં ડાયરેકટર ઓફ રિસર્ચ તરીકે ફરજ બજાવતા હોવાનુ કહ્યું હતું પણ આ સમયગાળામાં ડો.આર જી શાહ  નામના અધ્યાપક આ હોદ્દા પર ફરજ બજાવતા હોવાનુ ખુદ યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે.ઉપરાંત ગાંધીનગર ખાતે પંડિત દીન દયાલ ઉપાધ્યાય યુનિવર્સિટીમાં ૨૦૦૭ થી ૨૦૧૫ સુધી તેમણે ડીન તરીકે ફરજ બજાવી હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે.જોકે આ  સમયગાળામાં તેઓ એસોસિએટ પ્રોફેસર જ હતા.જેનો ઉલ્લેખ ગુજરાત ઈકોલોજી કમિશનના એક રિપોર્ટમાં છે.

ફોરમના સભ્યોએ કહ્યું હતું કે, એમ.એસ.યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર બન્યા બાદ ડો.શ્રીવાસ્તવે ઉપરોકત યુનિવર્સિટીઓના રેકોર્ડ પરથી અનુભવના દસ્તાવેજો ગાયબ કરીને પૂરાવાનો નાશ કર્યો છે.આમ આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ખોટો બાયોડેટા તેમજ દસ્તાવેજો  રજૂ કરનારા ડો.શ્રીવાસ્તવ સામે તાત્કાલિક ફરિયાદ નોંધીને તપાસ કરવામાં આવે.


Google NewsGoogle News