વડોદરાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજિયાત બનાવવા માંગ
વડોદરાઃ કોરોનાના નવા સબ વેરિએન્ટ જેએન ૧ના કારણે ભારતમાં પણ હવે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ સાવધાની રાખવા માટે ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે.
કોરોનાના વધતા કેસોના કારણે શિક્ષણ જગતમાં ચિંતાનો માહોલ છે.આ સંજોગોમાં વડોદરા શિવસેના દ્વારા શહેર જિલ્લાની સ્કૂલોમાં કોરોનાની ગાઈડ લાઈનનો ફરજિયાત અમલ કરવા માટે માંગણી કરવામાં આવી છે.
ડીઈઓ કચેરીમાં કરેલી રજૂઆતમાં શિવસેનાના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, રાજ્યમાં ઠંડીનુ પ્રમાણ વધી રહ્યુ છે અને તેની વચ્ચે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે ત્યારે વડોદરામાં તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવે અને કોરોનાની ગાઈડલાઈનનુ પાલન કરવા માટે આદેશ જાહેર કરવામાં આવે.સાથે સાથે તેમણે માંગ કરી હતી કે, સાવચેતની ભાગરુપે સ્કૂલોમાં મોટી સંખ્યામાં બાળકો ભેગા થવાના હોય તેવા કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મુકવામાં આવે.જેથી શાળાના બાળકો સુરક્ષિત રહે.ભૂતકાળમાં કેટલીક સ્કૂલોએ મનમાની ચલાવી હતી અને તેના કારણે બાળકોને સહન કરવુ પડયુ હતુ.આ પ્રકારની સ્થિતિ ફરી ના સર્જાય તે માટે અત્યારથી તકેદારી રાખવી જરુરી છે.