વડોદરા-અયોધ્યા વચ્ચે ડેઇલી ટ્રેન દોડાવવા માટે શ્રધ્ધાળુઓની માગ
વડોદરા સહિત મધ્ય ગુજરાતના હજારો લોકો અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માગે છે
વડોદરા : વર્ષોથી જેની પ્રતિક્ષા હતી તે ઘડી આવી ગઇ છે. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ઇતિહાસની આ ઘટનામાં વડોદરાના લોકો પણ સાક્ષી બનવા માગે છે એટલે વડોદરાથી અયોધ્યા વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવા માટે માગ પ્રબળ બની છે.
રેલવે પેસેન્જર એસોસિએશન વડોદરાના પ્રમુખ ઓમકારનાથ તિવારીએ પશ્ચિમ રેલવેને અને રેલ મંત્રાલયને અરજી કરીને માગ કરી છે કે અયોધ્યા રામ મંદિરમાં જાન્યુઆરીમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશભરમાંથી લાખો લોકો દર્શન માટે પહોંચશે. વડોદરા અને મધ્ય ગુજરાતમાંથી પણ હજારો શ્રધ્ધાળુઓ આ મહોત્સવમાં પહોંચીને રામ લલ્લાના દર્શન કરવા આતુર છે ત્યારે રેલવે દ્વારા આ વાતની નોંધ લેવી જોઇએ અને વડોદરા અયોધ્યા વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાનું આયોજન કરવુ જોઇએ.
આમ પણ વડોદરાથી ઉત્તર ભારતને જોડતી ટ્રેનોની સંખ્યા ઓછી છે જેના કારણે દર વર્ષે તહેવારો અને વેકેશનમાં ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ રહે છે તાજેતરમા જ છઠ્ઠા પુજા વખતે સુરત સ્ટેશન પર મચેલી ભાગદોડમાં દુર્ઘટના સર્જાઇ હતી અને એક મુસાફરનું મૃત્યુ થયુ હતું. રેલ મંત્રાલયે વડોદરા-અયોધ્યા, સુરત-અયોધ્યા અને અમદાવાદ-અયોધ્યા વચ્ચે ડેઇલી ટ્રેન દોડાવાનું આયોજન કરવુ જોઇએ.