છાણી પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડતાં તાકિદે રિપેરિંગની માગ
જો ભારે વરસાદ ત્રાટકે અને કેનાલમાં પાણી છોડાય તો સમગ્ર વિસ્તારમાં જળબંબાકારનો ભય
વડોદરા,છાણી જકાતનાકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડયું છે અને તેના લીધે વિસ્તારમાં જળબંબાકાર સર્જાય તેવો ભય ઊભો થયો છે.
છાણી વિસ્તારમાં ટીપી ૧૩ની બાજુમાં દશામા મંદિરની પાછળ નર્મદા કેનાલ પસાર થાય છે. આ કેનાલના પાળામાં નીચે મોટું ભંગાણ પડી ગયું છે. હાલ વરસાદી માહોલ જામેલો છે. ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થવાની સાથે સાથે જો નર્મદા કેનાલમાં પણ પાણી છોડાય તો આ બધું પાણી ગાબડામાંથી છાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળે તેવો ભય છે.
હજી તાજેતરમાં જ આ વિસ્તારના લોકોએ ભયાનક વરસાદનો સામનો કરી ચૂક્યા છે. જો આ ગાબડામાંથી પાણી ધસમસી ઊઠે તો પૂર જેવી સ્થિતી ઉભી થઈ જશે. આ મુદ્દે તેમણે જિલ્લા કલેકટરનું ધ્યાન દોર્યું છે. નર્મદા નિગમના અધિકારીઓએ વિના વિલંબે આ ગાબડાની મરામત કરવી જોઈએ તેવી માગ કરી છે. આ ગાબડાને લીધે છાણી, ટીપી-૧૩ અને નજીકન વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ જાય તેવો ભય છે. ગાબડાને લીધે મોટી જાનહાનિ કે દુર્ઘટના ન સર્જાય તે માટે જરૃરી રિપેરિંગ કરાવવા સ્થાનિક લોકોએ પણ માગ કરી છે, તેમ વોર્ડ ૧ ના કોંગી કોર્પોરેટર અને કોર્પોરેશનમાં વિપક્ષના ઉપનેતા જહા ભરવાડે કહ્યું છે.