વડોદરામાં માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક કોનોકાર્પસ વૃક્ષો તાત્કાલિક ધોરણે હટાવવા માંગ
વડોદરા,તા.22 નવેમ્બર 2023,બુધવાર
વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં માનવ જાતના સ્વાસ્થ્ય માટે હાનિકારક ૩૦ હજાર જેટલા કોનોકાર્પસ વૃક્ષો કાઢી નાખવાની પાલીકાએ કરેલી જાહેરાત પેપર પર રહીઁ હોવાના આક્ષેપ સામાજિક કાર્યકરે કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રોડ રસ્તાના ડિવાઇડર પર વર્ષ 2017માં કોનોકાર્પસના 30 હજાર જેટલા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષથી માનવ જીવનના સ્વાસ્થ્ય પર ખતરો છે તેવું તારણ પણ તપાસમાં નીકળ્યું હોવાનું સામાજિક કાર્યકર વસીમ શેખે જણાવ્યું હતું.
આ વૃક્ષના સંશોધન અંગે પર્યાવરણને પણ નુકસાન થતું હોવાનું અંદાજ છે. ઉપરાંત સંશોધન મુજબ લગાવવામાં આવ્યા હતા. સંશોધન મુજબનો કોનોકાર્પસ વૃક્ષથી અસ્થમા, શરદી, ઉધરસ, એલર્જી સહિતના રોગો થવાની શક્યતાઓ છે. આ કોનોકાર્પસ વૃક્ષ જમીનની અંદર ખૂબ ઊંડે સુધી ઉતરે છે અને ખુબજ વિકાસ પામે છે જેથી ઘણાં સંદેશા વ્યવહારના કેબલ, ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈનને નુકસાન પહોંચાડતા હોવાનું તારણ સામે આવ્યું છે. અને કોનોકાર્પસ વૃક્ષ ભૂગર્ભ જળનું મોટા પ્રમાણમાં શોષણ થતુ હોવાની પણ શક્યતા છે. જેના કારણે ધરતીના પેટાળમાંથી પાણી ખતમ થઈ જાય તેવી આશંકા છે. જેથી કરીને વનવિભાગ દ્વારા કોનોકાર્પસ વૃક્ષ વાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પરિણામે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ વૃક્ષો કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી પણ આજ સુધી શહેરના પશ્ચિમ વિસ્તાર તાંદલજામાંથી આ વૃક્ષો કાઢવામાં નહીં આવ્યા હોવાનો આક્ષેપ પણ સામાજિક કાર્યકરે કર્યો છે. આમ પાલિકાના અણઘડ વહીવટીનો આ એક વધુ નમૂનો છે જેના કારણે લાખો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો છે અને આ વૃક્ષોના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય માટે પણ ખતરો બન્યા છે. જેથી આ વૃક્ષો તાત્કાલિક કાઢવામાં આવે તેવી માંગ પાલિકા અધિકારીઓ સમક્ષ કરવામાં આવી છે.