વડોદરામાં રોડ ડીવાઇડરની વચ્ચે બનાવેલા જોખમી કટ સર્વે કરાવી બંધ કરાવવા માંગણી
- વાહનચાલકોને વચ્ચેથી જવા શોર્ટ કટ મળે તે માટે બનાવેલા આવા કટ અકસ્માતોને નોતરે છે
- શહેરમાં આવા 1000થી વધુ જોખમી કટ છે
વડોદરા,તા.25 નવેમ્બર 2023,શનિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 18 મીટર થી વધુ પહોળાઈ ધરાવતા માર્ગો ઉપર રોડ ડીવાઇડરની વચ્ચે થી વાહન ચાલકોને જવા શોર્ટ કટ મળે તે માટે ડિવાઇડર તોડીને કટ મુકેલા છે. આ કટ જોખમી હોવાથી તે જરૂરી સર્વે કરાવીને બંધ કરવાની માંગણી કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ અધ્યક્ષએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને કરી છે.
આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે વડોદરા શહેરની હદમાં 18 મીટર થી વધુ પહોળાઈ ધરાવતા તમામ રસ્તાઓ ઉપર સેન્ટ્રલ લાઇટીંગ સાથે ડીવાઇડર બનાવેલ છે. જ્યાં ઘણા સ્થાને જરૂરીયાત વગરના કટ મુકાયેલ છે. જે અકસ્માતોને નોતરે છે, અને તેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે. ડિવાઇડરના કટને લીધે અકસ્માતમાં કેટલાય નાગરિકોએ પોતાના જીવ ગુમાવવા પડેલ છે. જાનમાલનું નુકશાન ન થાય તેને ધ્યાનમાં રાખીને આવા જે કટ જોખમી છે, તેનો સર્વે પણ થયેલ છે. વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને ટ્રાફીક પોલીસ સાથે સંકલન કરી પુનઃ સર્વે કરાવી આવા કટ બંધ કરવા જરૂરી અભિયાન ચલાવી કામગીરી કરાવવા તેમણે અનુરોધ કર્યો છે. દરમિયાન પૂર્વ ચેરમેને કહ્યું છે કે એકાદ વર્ષ અગાઉ આવો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં આવા 1,000 થી વધુ જોખમી કટ હોવાનું જણાય આવ્યું હતું. આવા કટ કે જે બિનજરૂરી હોય છે, પરંતુ કોઈની વગ કે ભલામણના આધારે વિચાર કર્યા વિના રાખી દેવામાં આવ્યા હોય છે. પરિણામે આવા કટમાંથી વાહન ચાલકો ખાસ તો રોંગ સાઈડ જ્યારે પસાર થાય છે ત્યારે સામેથી આવતા વાહનો નો વિચાર કરતા નથી અને અથડાઈ જાય છે. ડિવાઇડર વચ્ચે કટ ન હોય તો વાહનચાલકોને થોડું દૂર સુધી જવું પડે છે, પરંતુ તેમાં જાનનું જોખમ રહેતું નથી .વીઆઈપી રોડ પર વર્ષો અગાઉ આવા કટને લીધે ગંભીર અકસ્માત થતાં બે નિર્દોષે જાન ગુમાવ્યા હતા. આ કટ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હતો.