રેલવે દ્વારા નેરોગેજમાંથી બ્રોડગેજ રૃપાંતર યોજનામાં ડભોઇ-સમલાયા લાઇન માટે ૨૦૧૩ના કાયદા મુજબ જમીન સંપાદન કરવા માગ
કરજણ-ડભોઇ-કેવડિયા બ્રોડગેજ લાઇન માટે ૨૦૧૩ના કાયદા મુજબ જમીન સંપાદિત થઇ છે
વડોદરા,નેરોગેજને બ્રોડગેજમાં રૃપાંતર કરવાની રેલવેની યોજનામાં વડોદરા જિલ્લામાં કરજણથી ડભોઇ સુધી જમીનો નવા કાયદા ૨૦૧૩ પ્રમાણે સંપાદન કરવામાં આવી છે, જ્યારે ડભોઇથી સમલાયા પ્રોજેકટમાં જમીન રેલવે એમેન્ડમેન્ટ એકચ ૨૦૦૮ પ્રમાણે સંપાદન કરવામાં આવે છે, જેની સામે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે.
હાલમાં વડોદરા જિલ્લામાં નેરોગેજ રેલવેને બ્રોડગેજમાં રૃપાંતર કરવાની પ્રક્રિયા ચાલી રહેલી છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમાન યોજનાઓમાં જમીન સંપાદન જુદા જુદા કાયદા હેઠળ કરવામાં આવે છે.
કરજણથી ડભોઇ તેમજ ડભોઇથી કેવડીયા વચ્ચે નેરોગેજ રેલવેને બ્રોડગેજ યોજનામાં રૃપાંતર કરવા તમામ જમીનો નવા જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ના કાયદા પ્રમાણે સંપાદન કરવામાં આવી છે. આ કાયદા હેઠળ જો ખેડૂતોને ઓછું વળતર મળે તો સરકાર દ્વારા નિયુક્ત જમીન સંપાદન અધિકારી સમક્ષ કેસો દાખલ કરવામાં આવે છે. ડભોઇથી સમલાયા નેરોગેજને બ્રોડગેજ માટે જમીન સંપાદિત કરવા રેલવે એમેન્ડમેન્ટ એકટ ૨૦૦૮ના કાયદાનો સહારો છે. ખેડૂતોને વળતર ઓછુ મળે તો તેના વધુ વળતરના કેસો આર્બિટ્રેશન એકટ પ્રમાણે સરકાર નિયુક્ત આર્બિટ્રેટરો પાસે ચલાવવામાં આવશે. જેમાં આર્બિટ્રેટરો એકપણ રૃપિયાનો વધારો આપ્યા વગર કેસો કાઢી નાંખશે તેવી ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. એકતા ગ્રામિણ પ્રજા વિચાર મંચ કહે છે કે નેરોગેજને બ્રોડગેજમાં રૃપાંતર કરવાની એક સમાન યોજનાઓમાં પણ બે જુદા જુદા કાયદા પ્રમાણે જમીન સંપાદન કરી ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવે છે, જેથી કેન્દ્ર સરકારે તાકીદે ડભોઇથી સમલાયા નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં રૃપાંતર કરવાની યોજનામાં પણ નવો ૨૦૧૩નો કાયદો લાગુ કરી તે મુજબ જમીન સંપાદન કરવા ખેડૂતોએ માગ કરી છે.