ધંધુકામાં યુવાનની હત્યાના આરોપીઓને ફાંસીની માંગણી
હિંદુ સંગઠનો, ભરવાડ સમાજ દ્વારા કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ
વડોદરા, તા.29 ધંધુકામાં કિશન ભરવાડની જાહેરમાં હત્યાના બનાવ બાદ સમગ્ર રાજ્યમાં આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગણી સાથે વિરોધ થઇ રહ્યો છે. વડોદરામાં આજે બપોરે ભરવાડ સમાજ, હિંદુ સંગઠનો દ્વારા રેલીઓ કાઢી કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ ઠાલવવામાં આવ્યો હતો. ફાંસી આપો..ના નારાથી કલેક્ટર કચેરીનું કમ્પાઉન્ડ ગુંજી ઉઠયું હતું.
કિશન ભરવાડની હત્યા બાદ વડોદરાના ભરવાડ સમાજ તેમજ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને શિવસેનાના કાર્યકરો હાથમાં વિવિધ બેનરો લઇને રોડ પરથી રેલી સ્વરૃપે કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા અને આરોપીઓને ફાંસી આપો..ફાંસી આપો..ના નારા લગાવ્યા હતાં.
હિંદુ સંગઠનો દ્વારા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સહિતના સંગઠનોએ પણ કિશનની હત્યાના આરોપીઓને ફાંસીની સજાની માંગણી કરી હત્યાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઇએ તેમ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં કહ્યું હતું. આરોપીઓને ટૂંકા સમયમાં જ સજા મળવી જોઇએ તેવી માંગણી પણ કરાઇ હતી.