મહેસાણાથી આવેલી વ્યક્તિઓ કરગરતી રહી કારમાં પાછળની સીટ પર ખાખી વર્દી પહેરેલા કોન્સ્ટેબલની લાંચની માંગણી
કેસ થયા પછી પણ ચા-પાણી તો આપવા જ પડે તેવા લખાણ સાથેનો વીડિયો વાયરલ ઃ રેલવેનો કોન્સ્ટેબલ હોવાની ચર્ચા
વડોદરા, તા.25 વડોદરામાં એક પોલીસ કર્મચારીનો કારમાં બેસીને બિન્ધાસ્ત લાંચની માંગણી કરતો વીડિયો વાયરલ થયો છે. મહેસાણાથી આવેલી વ્યક્તિઓએ આ પોલીસ જવાનને પોતાની કારમાં બેસાડીને પકડાયેલા આરોપીને છોડાવવા માટે પૈસાની ઓફર કર્યા બાદ પોલીસે આટલી રકમ થોડી ચાલે તેવી વાત કરતા વીડિયોમાં સ્પષ્ટ જણાય છે.
ઉલ્લેખનીય છે કે ખાખી વર્દીમાં આ પોલીસ કોન્સ્ટેબલ એક કારમાં પાછળની સીટ પર બિન્ધાસ્ત બેઠો છે અને આગળની સીટ પર બેસેલ એક યુવાન તેમજ મહિલા ઝડપાયેલા આરોપીને છોડી દેવા માટે કરગરતા જણાય છે. જો કે ખાખી વર્દીમાં પોલીસનો માણસ ટસથી મસ થતો નથી અને આ તો છોડવાના પૈસા છે તેમ કહી મીઠી ભાષામાં દમ મારતો હોય તેમ સ્પષ્ટ જણાય છે.
બિન્દાસ્ત રીતે પૈસા માંગતા શર્મ નહી આવતી હોય, કેસ થયા પછી પણ ચા પાણી તો આપવા જ પડે તેવા લખાણ સાથેનો આ વીડિયો પોલીસબેડામાં તેમજ લોકોમાં વાયરલ થયો છે. ખાખી વર્દી પહેરેલો આ કોન્સ્ટેબલ કોણ છે તે અંગે પોલીસબેડામાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે પ્રાથમિક તપાસમાં આ કોન્સ્ટેબલ રેલવેમાં ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું છે. આ કોન્સ્ટેબલ અગાઉ એક બ્રાંચના વહીવટદાર તરીકે પણ કામ કરતો હતો તેવો પોલીસ કર્મચારીઓમાં ગણગણાટ શરૃ થઇ ગયો છે.
મફત છૂટી જાય, તો પણ મને વાંધો નથી
મારે લેવાદેવા નથી, કોર્ટ જાણેને એ જાણે, આ તો છોડવાના પૈસા છે
ભલામણ લઇને આવ્યા એટલે, તમે તો સાવ છેલ્લા રહ્યા
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરુવાર
કોન્સ્ટેબલ ઃ છોડે એટલે પીએસઓથી માંડીને બધા તને ખબર છે ને..
યુવાન ઃ મને તો ખબર છે, હમણાં પાંચ હજાર રાખોને પછી મંગાવી લઇશ
કોન્સ્ટેબલ ઃ સાથે જ આપોને, રાખો નહી આપો તો હાલ ચાલશે
યુવાન ઃ છોકરાને તો રીલિઝ કરી દો, કરાવી દઇશું
કોન્સ્ટેબલ ઃ પછી રીલિઝ કરીશ.
યુવાન ઃ આઠનું નહી થાય..
વચ્ચે એક મહિલા પણ કરગરતી જણાય છે
કોન્સ્ટેબલ ઃ સાવ છેલ્લા રહ્યા, ભલામણ લઇને આવ્યા એટલે, કાલે મફત છૂટી જાય તો પણ મને વાંધો નથી
યુવાન ઃ કાલે કોર્ટમાંથી છૂટી જશે?
કોન્સ્ટેબલ ઃ હા, છૂટી જશે
યુવાન ઃ હાલ, ૧૦ આપુ તો હાલ પતી જાય મેટર, છેક મહેસાણાથી આવ્યા છે
કોન્સ્ટેબલ ઃ ફાંસીની સજા નથી, છૂટી જશે, રાત તો રહેવું પડે. હું છૂટોને, મારે લેવાદેવા ના રહે, કોર્ટ જાણેને એ જાણે, હું પોતે જામીન પર છોડું તો હું જવાબદાર, પૈસા એના જ છે, છોડવાના પૈસા છે.