અંકલેશ્વરના 5000 કરોડના ડ્રગ્સની તપાસ માટે દિલ્હી પોલીસ વડોદરા આવશે
વડોદરાઃ અંકલેશ્વરના ૫ હજાર કરોડના ડ્રગ્સ રેકેટનો રેલો વડોદરા સુધી પહોંચતા ટૂંક સમયમાં દિલ્હી પોલીસ વડોદરા આવે તેવી શક્યતા છે.
દિલ્હી પોલીસે કોકેનનો મોટો જથ્થો ઝડપી પાડયા બાદ ગુજરાત પોલીસની મદદ લઇ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી આવકાર ડ્રગ્સ પ્રા.લિ.માં દરોડો પાડી ૫૦૦૦ કરોડની કિંમતના ૫૧૮ કિલો કોકેનનો જથ્થો ઝડપી પાડયો હતો.
દિલ્હી પોલીસે કંપનીના ત્રણ ડિરેક્ટર અશ્વિન રામાણી,બ્રિજેશ કોઠીયા અને વિજય ભેંસાણિયા,કંપનીના કેમિસ્ટ મયૂર દેસલે તેમજ વડોદરાના કન્સલટન્ટ અમિત જગદીશભાઇ મૈસુરિયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે.
ઉપરોક્ત કૌભાંડનો રેલો વડોદરા સુધી પહોંચતા અમિત મૈસુરિયાના વાઘોડિયારોડ હાઇવે પાસે આવેલા રૃદ્રાક્ષ એલિગન્સના ફ્લેટમાં તાળાં મારીને પરિવાર ક્યાંક ચાલ્યો ગયો છે.જ્યારે,પાર્કિંગમાં અમિત મૈસુરિયાની કાળા રંગની કાર નજરે પડી છે.
મળતી માહિતી મુજબ વાઘોડિયારોડના અમિત મૈસુરિયાના નામે મૈસુરિયા ફાર્મા સોલ્યુશન નામની કંપની રજિસ્ટર થયેલી છે અને તેના ફ્લેટના દરવાજા પર કંપનીનું બોર્ડ પણ જોવા મળ્યું છે.અમિત પૂણેની ફાર્મા સોલ્યુશન કંપનીની મહિલા ડિરેક્ટરના સંપર્કમાં હતો અને તેણે પૂણેની ફાર્મા સોલ્યુશન તેમજ અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ વચ્ચે કડી જોડી આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.જેથી આ તમામ કડીઓ જોડવા માટે દિલ્હી પોલીસ વડોદરા આવનાર હોવાનું જાણવા મળ્યું છે.