વડોદરાના કેમ્પસમાંથી સેન્ટ્રલ યુનિ.ને સંપૂર્ણપણે કાર્યરત કરવાની યોજનામાં વિલંબ
વડોદરાઃ તાજેતરમાં વડોદરામાં ભારે વરસાદ અને પૂરની સર્જાયેલી પરિસ્થિતિના કારણે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતને ગાંધીનગરથી વડોદરા નજીકના કુંઢેલા કેમ્પસમાં સંપૂર્ણપણે શિફટ કરવાની યોજનામાં વિલંબ થયો છે.જેના કારણે અત્યારે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને મોડમાં શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું છે.
મળતી વિગતો પ્રમાણે કુંઢેલા ખાતે સરકારે ફાળવેલી ૭૦૦ એકર જમીનમાં યુનિવર્સિટીનુ નવું કેમ્પસ બની રહ્યું છે.મૂળ યોજના પ્રમાણે યુનિવર્સિટીનુ ગાંધીનગરથી જુલાઈ મહિનામાં ૧૦૦ ટકા સ્થળાંતર થવાનું હતું.વેકેશન બાદ તમામ વિદ્યાર્થીઓનુ શિક્ષણ પણ આ કેમ્પસમાં શરુ થવાનું હતું.જોકે બાંધકામમાં થયેલા વિલંબ અને એ પછી વરસાદ અને પૂરના કારણે આ યોજના પાછી ઠેલાઈ છે.
મળતી વિગતો પ્રમાણે નવા કેમ્પસમાં લેબોરેટરીનું કામ હજી ચાલી રહ્યું હોવાથી સાયન્સના વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે.દેશના અલગ અલગ રાજ્યોમાંથી પ્રવેશ લેનારા કેટલાક વિદ્યાર્થીઓ પણ હજી નવા કેમ્પસમાં પહોંચ્યા નથી અને તેના કારણે યુનિવર્સિટી સત્તાધીશોએ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને મોડમાં શિક્ષણ ચાલુ રાખ્યું છે.
જોકે સત્તાધીશોનું કહેવું છે કે, મોટાભાગના વિદ્યાર્થીઓ નવા કેમ્પસમાં રિપોર્ટ કરી ચૂકયા છે અને અહીંયા ઓફલાઈન લેકચર લેવાનુ પણ શરુ કરી દેવાયું છે.આ મહિનાના અંતમાં નવા કેમ્પસમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે અને આ પરીક્ષા સંપૂર્ણપણે ઓફલાઈન મોડમાં હશે.વિદ્યાર્થીઓને આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે.આમ પરીક્ષાની સાથે જ ઓનલાઈન શિક્ષણ બંધ કરીને સંપૂર્ણપણે ઓફલાઈન શિક્ષણ શરુ કરી દેવામાં આવશે.
ગર્લ્સ હોસ્ટેલનું બિલ્ડિંગ તૈયાર પણ
બોયઝને રાખવા માટે બિલ્ડિંગ ભાડે લેવાયું
ત્રણ બિલ્ડિંગમાં ભણાવવાનું શરુ કરાયું, એડમિનિસ્ટ્રેટિવ બ્લોકનું બાંધકામ પુરુ થયા બાદ સ્ટાફ શિફટ થશે
યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રોના કહેવા પ્રમાણે ગર્લ્સ હોસ્ટેલનું બાંધકામ પુરુ થઈ ગયું છે પણ બોયઝ હોસ્ટેલનું કામ હજી ચાલી રહ્યું હોવાથી બોયઝ સ્ટુડન્ટસને રાખવા માટે આખી બિલ્ડિંગ યુનિવર્સિટી દ્વારા ભાડે રાખવામાં આવી છે.જ્યાંથી બોયઝ સ્ટુડન્ટસને યુનિવર્સિટી સુધી લેવા-મૂકવા માટે બે બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.જોકે કેમ્પસમાં જમવાની મેસ કાર્યરત થઈ ચૂકી છે.કેમ્પસમાં ભણાવવા માટેના ત્રણ બિલ્ડિંગ પણ બની ગયા છે અને તેમાં લેકચર પણ લેવાઈ રહ્યા છે.વિદ્યાર્થીઓને વાઈ ફાઈની સુવિધા પણ મળી રહી છે.ફાયર એનઓસી મેળવવાની કાર્યવાહી પણ શરુ કરી દેવામાં આવી છે.એડમિનિસ્ટ્રેટિવ બ્લોકનું પણ મોટા ભાગનું કામ પુરુ થઈ ગયું છે.જોકે આ બિલ્ડિંગ તૈયાર ના થાય ત્યાં સુધી એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યો છે.જ્યારે યુનિવર્સિટીના ૮૦ ટકા અધ્યાપકો પોતાના પરિવારો સાથે વડોદરા શિફટ થઈ ગયા છે અને બાકીના અધ્યાપકો પણ આ મહિનાના અંત સુધીમાં વડોદરા આવી જશે.
૩૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો, પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે
આ વષે ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વિવિધ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટે ૪૫૦૦ જેટલી અરજીઓ આવી હતી અને અત્યાર સુધીમાં ૨૫૩ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે.પીજીમાં પ્રવેશ કાર્યવાહી હજી ચાલી રહી છે.અન્ડર ગ્રેજ્યુએટ ૩૦૦૦ કરતા વધારે અરજીઓ આવી છે અને વિવિધ કોર્સમાં અત્યાર સુધીમાં ૧૦૦ કરતા વધારે પ્રવેશ અપાયા છે.જ્યારે પીએચડી માટેની પ્રવેશ કાર્યવાહી હજી શરુ થઈ નથી.