સયાજી હોસ્પિટલમાં પી.એમ.માં વિલંબ થતા મૃતકના પરિવારજનોની નારાજગી
ઇન્કવેસ્ટ પંચનામુ કરવા પોલીસ મોડી આવતા પી.એમ. થયું નહતું : સુપ્રિન્ટેન્ડન્ટ
વડોદરા,રાજપારડીમાં રહેતી એક મહિલાએ બે દિવસ પહેલા ઝેરી દવા પી લેતા સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઝઘડિયા પોલીસ ઇન્કવેસ્ટ ભરવા માટે મોડી આવતા પી.એમ.નું કામ અટકી ગયું હતું.
બનાવની વિગત એવી છે કે, રાજપારડીમાં રહેતી મહિલાએ બે દિવસ પહેલા ઝેરી દવા પી લીધી હતી. સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ રાજપીપળા હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલમાં મહિલાને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ગઇકાલે સાંજે મોત થયા પછી પોલીસે પી.એમ. માટે ઝઘડિયા પોલીસને જાણ કરી હતી. પરંતુ, પોલીસ બીજે દિવસે સાંજે આવતા પી.એમ.નું કામ અટકી પડયું હતું. જેના પગલે પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો. સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું હતું કે,જ્યાં સુધી પોલીસ આવીને કાર્યવાહી ના કરે ત્યાં સુધી પી.એમ. થઇ શકે નહીં. આજે સાંજે પોલીસે આવીને કાર્યવાહી કરી હતી. રેપ, ઝેરી દવા જેવા આક્ષેપો હોવાથી પેનલ પી.એમ. કરવામાં આવશે.