એમ.એસ.યુનિ.માં પદવીદાન સમારોહની તારીખના જાહેર કરવામાં પણ વિલંબ
વડોદરાઃ ગુજરાત રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓના પદવીદાન સમારોહ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં સંપન્ન થઈ જશે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીની પદવીદાન સમારોહના આયોજનમાં થઈ રહેલા વિલંબથી વિદ્યાર્થીઓ ઉંચા નીચા થઈ રહ્યા છે.
ગત વર્ષે પણ પદવીદાન સમારોહના આયોજનમાં અસહ્ય વિલંબ થયો હતો અને તેના કારણે સત્તાધીશો પર માછલા ધોવાયા હતા.આમ છતા પદવીદાન સમારોહના આયોજનને લઈને સત્તાધીશોનુ વલણ યથાવત હોય તેમ લાગે છે.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહમાં હાજર રહીને અને ગેરહાજર રહીને ડિગ્રી મેળવવા માંગતા વિદ્યાર્થીઓ પાસે ફોર્મ પણ ભરાવી દેવામાં આવ્યા છે.આ ૨૦૨૨-૨૩ના વર્ષમાં ઉત્તીર્ણ થયેલા ૧૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવનાર છે.
જોકે પદવીદાન સમારોહ ક્યારે યોજાશે તેના પર જ સવાલો સર્જાયા છે.સમારોહની કોઈ સંભવિત તારીખ પણ જાહેર કરવામાં આવી નથી.સમારોહમાં દિક્ષાંત પ્રવચન માટે કયા મહાનુભાવને આમંત્રણ આપવાની યોજના છે તેની જાણકારી પણ વાઈસ ચાન્સેલર સિવાય કોઈની પાસે નથી.એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, મહાનુભાવનુ નામ નક્કી કરવાની કવાયતના કારણે જ પદવીદાન સમારોહના આયોજનમાં વિલંબ થઈ રહ્યો છે.
ડિસેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છે ત્યારે હવે પદવીદાન સમારોહ જાન્યુઆરી મહિનામાં જ યોજાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.બીજી તરફ ડિગ્રી મળવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી વિદ્યાર્થીઓ ઉંચા નીંચા થઈ રહ્યા છે.