પ્રતાપપુરા સરોવર ઊંડુ કરી પાળા પાકા કરી નર્મદાનાં પાણીથી ભરી દો
૧૦ રૃપિયાના સ્ટેમ્પ પેપર પર લખી આપેલા પ્લોટો પર બનેલા મકાનો કાયદેસર કરી આપવા રજૂઆત
મુખ્યમંત્રી સમક્ષ માંજલપુરના ધારાસભ્યની રજૂઆત
વડોદરાવડોદરામાં દર ઉનાળે પીવાના પાણીનો કકળાટ સર્જાય છે અને પાણીની રામાયણની આ કાયમી સમસ્યાના ઉકેલ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે આજવા નજીકનું ઐતિહાસિક પ્રતાપપુરા સરોવર નર્મદાનાં પાણીથી ભરી દેવા રજૂઆત કરી છે.
આજે ગાંધી નગર ખાતે યોગેશ પટેલે સીએમ હાઉસમાં આરોગ્યમંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીની ઉપસ્થિતિમાં ઉક્ત મુદ્દે રજૂઆત કરી હતી કે વડોદરામાં પાણીનો પ્રશ્ન કાયમી બની ગયો છે અને તેનો હવે ઉકેલ લાવવો જોઇએ. આજવા સરોવર પાસે પ્રતાપપુરા સરોવર આવેલું છે. જે નર્મદા કેનાલથી અડધો કિમી દૂર છે. આ સરોવર ૧૦૦૦ એકરમાં ફેલાયું છે. જો આ સરોવરને ઊંડુ કરીને તેનાં પાળા પાકાં કર્યા બાદ નર્મદાનાં પાણીથી ભરવામાં આવે તો કોઇપણ પ્રકારના પંપિંગના ખર્ચ વિના આજવામાં આ પાણી ભરી શકાશે. પ્રતાપપુરાથી આજવા સુધી કુદરતી ઢાળ સ્વરૃપે કાંસ પણ છે. એટલે ગ્રેવિટિના ફોર્સથી પાણી આજવામાં ઠલવાશે. અગાઉ કોર્પોરેશને આ સરોવરની સાફસફાઇની કામગીરી શરૃ કરી હતી, પરંતુ બાદમાં એ દિશામાં કોઇ પ્રગતિ થઇ શકી ન હતી.
તેમણે વધુમાં એ મુદ્દો પણ ઊભો કર્યો હતો કે નર્મદાની મુખ્ય કેનાલથી ૨ કિમી વિસ્તારની અંદર ગામના કે શહેરના મુખ્ય તળાવો હોય તો તે નર્મદા વિભાગે ભરી આપવાના હોય છે. આવા તળાવ ''લિન્ક તળાવ'' કહેવાય છે, પરંતુ અમદાવાદથી ભરૃચ સુધીમાં આવા ૨૦૦ જેટલા તળાવો છે પરંતુ તેમાંથી એકેય તળાવ ભરવામાં આવ્યા નથી. જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં તો બબ્બે વખત તળાવો ભરવામાં આવ્યા છે. જો આ રીતે તળાવો નર્મદાનાં પાણીથી ભરાશે તો ઢોરોને પીવાનું પાણી મળી રહેશે અને ખેતીના ઉપયોગમાં પણ લઇ શકાશે.
મુખ્યમંત્રી સમક્ષ તેમણે માંજલપુર વિધાનસભા ક્ષેત્રમાં આવેલા ૨૫૨ નગરોના મકાનો કાયદેસર કરી આપવાના મુદ્દે રજૂઆત કરી હતી કે ૧૯૭૬માં યુએલસીનો કાયદો આવતા ખેડૂતોએ ૧૦ રૃપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જે પ્લોટો લખી આપ્યા હતા, તેના પર લોકોએ મકાનો બાંધ્યા છે. હાલ અહીં બેત્રણ માળના પાકા મકાનો વર્ષોથી બનેલા છે જો સરકાર તે કાયદેસર કરી આપે તો સરકારને રેવન્યૂ પણ મળી શકે. આ વાત સાથે રાજ્યકક્ષાના મંત્રીએ પણ સૂર પૂરાવ્યો હતો કેમ કે આ માત્ર માંજલપુર વિસ્તારનો પ્રશ્ન નથી. સમગ્ર રાજ્યમાં આવા હજારો મકાનો છે. માત્ર માંજલપુર વિસ્તારમાં જ સાતેક હજાર મકાનો છે. અગાઉ સરકારે આ દિશામાં થોડી કામગીરી કરી હતી, પરંતુ બાદમાં મામલો અભેરાઇ પર મૂકી દીધો હતો.
યોગેશ પટેલની આ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રીએ બધા મુદ્દાઓ જોવડાવી લેવાશે અને તે દિશામાં હકારત્મક અભિગમ સાથે આગળ વધવા પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
ોે
ોે