હોટલના માલિક પર દેડિયાપાડાના ધારાસભ્ય અને ટેકેદોરાનો હુમલો
આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત ૨૧ સામે રાયોટિંગનો દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો
રાજપીપળા, દેડિયાપાડા તા.૨૨ લોકસભા ચૂંટણી સમયે હોટલના બિલ બાબતે હોટલ માલિકના ઘેર જઇ દેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ ૨૧ શખ્સો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય સામે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો આ બીજો ગુના નોંધાયો છે.
દેડિયાપાડા તાલુકાના સામરપાડા (થપાવી)માં રહેતા શાંતિલાલ ડેબાભાઇ વસાવાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ભરૃચ લોકસભાની ચૂંટણી સમયે આપના નેતાઓ નિગટની શિવમપાર્ક હોટલમાં જમ્યા હતાં જેનું બાકી બિલ રૃા.૧.૨૮ લાખ બાકી હતું જેથી તા.૧૬ સપ્ટેમ્બરના રોજ રાત્રે મેં સંદિપભાઇના મોબાઇલ પરથી ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા (રહે.બોગજ, તા.દેડિયાપાડા)ને ફોન કરી હોટલમાં જમવાના બાકી નીકળતા પૈસાની ચૂકવણી કરવાનું કહ્યું હતું.
આ વખતે ચૈતર વસાવા અચાનક ઉશ્કેરાઇ ગયા હતા અને મને જણાવેલ કે શાના પૈસા? મેં મારો હિસાબ ચૂકવણી કરી દીધો છે, મારા કોઇ પૈસા બાકી નથી તેમ કહી તું તારા ઘરે ઊભો રહે હું તારા ઘેર આવું છું તેમ કહી થોડા સમયમાં ચૈતર વસાવા તેમના ટેકેદારો સાથે લાકડીઓ લઇને ઘેર આવ્યા હતાં. ચૈતર વસાવાએ આવીને મારા ગાલ પર બેથી ત્રણ લાફા મારી દીધા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ઉપરોક્ત બનાવ અંગે દેડિયાપાડા પોલીસે ચૈતર વસાવા, જીતુ વસાવા (રહે.બોગજ), ધર્મેશ વસાવા (રહે.ગાજરગોટા), માધુસીંગ વસાવા (માજી પ્રમુખ, દેડિયાપાડા), શિવરામ વસાવા (રહે.કોયલીવાવ), ધમાભાઇ વસાવા (રહે.દેડિયાપાડા) તેમજ બીજા ૧૫ માણસોના ટોળા સામે ગુનો નોંધી કારદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
હોટલ માલિક અમને બ્લેકમેલ કરે છે ઃ ચૈતર વસાવા
રાજપીપળા તા.૨૨
આ અંગે ચૈતર વસાવાએ કહ્યું હતું કે હોટલના બાકી બિલના અમે રૃા.૫૦ હજાર ચૂકવી દીધા છે. હોટલ માલિકે પણ તેના નિવેદનમાં આ કહ્યું છે, પરંતુ આ શાંતિલાલ વસાવા અમને બ્લેક મેઇલિંગ કરવા માંગતો હોય ખોટી રીતે રૃા.૧.૨૮ લાખના બાકી બિલની ઉઘરાણી કાઢી હતી. તેઓ મને નશાની હાલતમાં સતત ફોન કરી ગમે તેવી ગાળો આપી હતી આ અંગે અમે પણ સામે ફરિયાદ આપી છે.