દેડિયાપાડાના બજારો સજ્જડ બંધ તાલુકો પોલીસ છાવણીમાં ફેરવાયો

આદિવાસીઓ સમર્થનમાં ઉતરતા વેપારીઓએ બંધ પાડી વિરોધ વ્યક્ત કર્યો

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
દેડિયાપાડાના બજારો સજ્જડ બંધ તાલુકો પોલીસ છાવણીમાં ફેરવાયો 1 - image

દેડિયાપાડા તા. ૪ નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્યની સામે વનકર્મચારીઓ પર હુમલા અંગેનો ગુનો દાખલ થયા બાદ આજે વિરોધમાં દેડિયાપાડા જડબેસલાક બંધ રહ્યું હતું. વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડીને પોતાની દુકાનો બંધ રાખી હતી જ્યારે પોલીસે પણ તાલુકામાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

દેડિયાપાડા તાલુકાના બોગજ ગામ નજીક ફુલસર રેન્જની જંગલ જમીનમાં ખેતી કરનારાઓને વનવિભાગે તા.૨૯ ઓક્ટોબરના રોજ દૂર કર્યા હતા. બાદમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ બીજા દિવસે વન વિભાગના બીટગાડ સહિતના કર્મચારીઓને પોતાના ઘરે બોગજ ગામે સાંજે બોલાવ્યા હતા અને કર્મચારીઓ સાથે બોલાચાલી કરી માર મારી ચૈતર વસાવાએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેથી ગભરાઈ ગયેલા વન વિભાગના કર્મચારીઓ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવા પહોંચી ગયા હતા.પોલીસે આ ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પીએ જીતેન્દ્ર વસાવા, ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવા અને ખેડૂત રમેશભાઈ વસાવા સામે ગુનો નોંધી ચૈતર વસાવા સહિત અન્યની ધરપકડ કરી હતી.

ધારાસભ્યની સામે પોલીસ કાર્યવાહીના પગલે દેડિયાપાડા આદિવાસી સમાજના આગેવાનોએ ધારાસભ્યના સમર્થનમાં આજે દેડિયાપાડા બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે દેડિયાપાડાના મુખ્ય બજાર સહિત મોઝદા રોડના બજાર, દેડિયાપાડા ચાર રસ્તા, લીમડા ચોકથી પારસી ટેકરા, નવાગામ રોડ,  તાલુકા કુમાર શાળા રોડ અને અન્ય સમગ્ર બજારો બંધ રહ્યા હતા.  દેડિયાપાડા ખાતે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દેડિયાપાડા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.




Google NewsGoogle News