ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર : મકરપુરાથી ગોલવાડ સુધીના ટ્રેક પર ઇલેક્ટ્રિક એન્જિન રન ટ્રાયલ પણ સફળ
ઉત્તર પ્રદેશના દાદરીથી મુંબઇ સુધી માલવાહક ગાડીઓ (ગુડ્ઝ ટ્રેન) માટે ખાસ ટ્રેક તૈયાર થઇ રહ્યો છે
વડોદરા :માલવાહક ગાડી(ગુડ્ઝ ટ્રેન)ઓના પરિવહન માટે તૈયાર થઇ રહેલા ખાસ ટ્રેક (ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર)માં પશ્ચિમ વિભાગમાં ઉત્તર પ્રદેશના દાદરીથી મુંબઇના જવાહરલાલ નહેરૃ પોર્ટ સુધીનું કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.
પશ્ચિમ ઝોનના વડોદરા વિભાગમાં થયેલી કામની પ્રગતિ અંગે માહિતી આપતા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સી.એલ.ચૌધરીએ કહ્યું હતું કે વડોદરાના મકરપુરાથી દક્ષિણ ગુજરાતના ગોલવાડ સુધીનો ટ્રેક લગભગ તૈયાર છે. અગાઉ આ રૃટ ઉપર ડિઝલ એન્જિનનો ટ્રાયલ લેવામાં આવ્યો હતો આજે ઇલેક્ટ્રિક એન્જિનનો ટ્રાયલ પણ સફળ થયો છે. વડોદરા વિભાગમા હવે મકરપુરા અપ લાઇનમાં ઇન્ડિયન રેલવેના ટ્રેકથી ડીએફસીનું જોડાણ બાકી છે.
આ દરમિયાન અમદાવાદ મકરપુરા વચ્ચે આણંદ સુધી કામગીરી પુર્ણ થઇ છે. આણંદ મકરપુરા વચ્ચેની કામગીરી માર્ચ ૨૦૨૪ સુધીમાં પુર્ણ થવાની સંભાવના છે બીજી તરફ આ સમયગાળામાં ગોલવાડથી સફાલે સુધીનો ટ્રેક પણ તૈયાર થઇ જશે.