ઉપરવાસમાં આવક ઘટતા નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો
સાંજે સપાટી ૧૩૫.૭૮ મીટર નોંધાઇ છેલ્લા ૩ દિવસથી ડેમના ૯ ગેટ ખુલ્લા
રાજપીપળા,સરદાર સરોવર નર્મદા ડેમના હજુ ૯ દરાવાજામાંથીકુલ ૧.૫૬ લાખ કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. ઉપરવાસ મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી આવક ઘટતા નર્મદા ડેમની જળ સપાટી ૨૧ સેમી ઘટી છે.
મંગળવારે સવારે નર્મદા ડેમની જળસપાટી ૧૩૫.૭૮ મીટરે હતી. પાણીની આવક ઘટતાં ધીરે ધીરે સાંજે ૬ વાગે ડેમની સપાટી ૧૩૫.૫૪ મીટરે પહોંચી છે. હાલ નદી તળ વિદ્યુત મથક ના ૬ મશીનો દ્વારા ૪૩૮૯૭ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવે છે. ઉપરાંત ૯ દરવાજામાંથી ૯૦ હજાર કયુસેક તથા કેનાલ હેડ પાવર મથકમાંથી ૨૨ હજાર મળી નર્મદા નદીમાં કુલ ૧,૫૬,૬૫૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે ડેમ બંધના નીચાણવાળા વિસ્તાર ભરુચ, નર્મદા અને વડોરા જિલ્લાના કાંઠા વિસ્તારોના નાગરિકોને સચેત રહેવા જણાવાયું છે. કેટલાક દિવસથી ઉપરવાસમાંથી પુષ્કળ આવક થતા સપાટી વધી હતી.
હવે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટી આવક કરતા જાવક વધારી પુનઃ ડેમ બે મીટર ખાલી કરવાની કોશિશ કરી રહી છે, એટલે ફરી સપ્ટેમ્બર મહિનામાં પાણી આવક વધે અને જો ડેમના દરવાજા ખોલવાની ફરજ પડે તો ડેમ અને કાંઠાના ગામોને અસર ના પહોંચે. છેલ્લા ત્રણ દિવસથી નર્મદા ડેમના ૯ દરવાજા ખોલીને પાણી છોડાઇ રહ્યું છે. સાંજે ડેમમાં પાણીની આવક ૧૨૬૫૩૨ કયુસેકહતી. છેલ્લા ત્રણ કલાકથી આવક ૯૬૪૬૫ કયુસેક રહી છે.