Get The App

એમ.એસ.યુનિ.ની સ્કોલરશિપ સ્કીમનો લાભ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
એમ.એસ.યુનિ.ની સ્કોલરશિપ સ્કીમનો લાભ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સ્કોલરશિપ સ્કીમનો લાભ મળતો હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યામાં છેલ્લા ૬ વર્ષથી ઘટાડો  થઈ રહ્યો છે.૨૦૨૩-૨૪ના વર્ષમાં ૧૪૩૬ વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળી છે અને છેલ્લા દસ વર્ષમાં આ સૌથી ઓછી સંખ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તત્કાલિન વાઈસ ચાન્સલેર પ્રો.યોગેશ સિંઘના કાર્યકાળમાં વિદ્યાર્થીઓને આર્થિક આધાર પર સ્કોલરશિપના ભાગરુપે તેમણે ભરેલી ફી પાછી આપવાની યોજના શરુ કરવામાં આવી હતી.જેના ભાગરુપે  વિદ્યાર્થીઓના પરિવારની આવક ૩.૫૦ લાખ રુપિયા કરતા ઓછી હોય અને જેમના ૫૫ ટકા કે તેના કરતા વધારે માર્કસ હોય તેવા   વિદ્યાર્થીઓની ફીનો ૧૦૦ ટકા કે પછી અમુક હિસ્સો પરત આપવામાં આવે છે.

૨૦૨૩-૨૪ના વર્ષમાં આ સ્કીમમાં એપ્લાય કરનારા વિદ્યાર્થીઓને વર્ષ પૂરુ થયા બાદ જૂન મહિનામાં ફી પાછી મળી હતી.જોકે ચોંકાવનારી વાત એ છે કે, ગત શૈક્ષણિક વર્ષમાં આ સ્કીમનો લાભ ૧૪૩૬ વિદ્યાર્થીઓને મળ્યો હતો.તેમને ૮૫.૭૨ લાખ રુપિયા આપવામાં આવ્યા હતા.

સ્કોલરશિપ યોજનાનું સંચાલન કરતા ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટુડન્ટ વેલફેર માટે જોકે સૌથી આશ્ચર્યનો વિષય આ સ્કીમનો લાભ લેનારા વિદ્યાર્થીઓની ઘટી રહેલી સંખ્યા છે.આ સ્કીમ શરુ થયા બાદ ૨૦૧૫ પછી સૌથી ઓછા વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો છે.એવુ મનાઈ રહ્યું છે કે, સ્કોલરશિપ યોજનાનો યોગ્ય પ્રચાર પ્રસાર બંધ થઈ ગયો છે અને તેના કારણે વિદ્યાર્થીઓને  તેની જોઈએ તેવી જાણકારી નથી.એક દલીલ એવી પણ થઈ રહી છે કે, સરકાર દ્વારા વિવિધ સ્કોલરશિપ યોજનાઓ શરુ કરાઈ હોવાથી યુનિવર્સિટીની યોજનાનો લાભ લેનારા ઘટયા છે.નિયમ પ્રમાણે વિદ્યાર્થી કોઈ એક જ સ્કીમનો લાભ લઈ શકે છે.ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં આ સ્કીમ હેઠળ વિદ્યાર્થીઓને ફી પાછી મળવામાં સમય પણ લાગતો હોવાથી વિદ્યાર્થીઓ એપ્લાય નથી કરી રહ્યા.

છેલ્લા દસ વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓને લાભ મળ્યો 

વર્ષ વિદ્યાર્થીઓની સંખ્યા સ્કોલરશિપની રકમ

૨૦૧૫-૧૬ ૧૫૪૬ ૧.૪૩ કરોડ

૨૦૧૬-૧૭ ૧૬૧૬ ૧.૦૨ કરોડ

૨૦૧૭-૧૮ ૩૩૩૧ ૭૭.૭૪ કરોડ

૨૦૧૮- ૧૯ ૩૭૩૭ ૮૨.૬૦ લાખ

૨૦૧૯-૨૦ ૩૧૦૭ ૯૦.૫૫ લાખ

૨૦૨૦-૨૧ ૨૦૦૪ ૯૦.૪૦ લાખ

૨૦૨૧-૨૨ ૨૧૨૧ ૯૮.૭૬ લાખ

૨૦૨૨-૨૩ ૨૦૬૯ ૧ કરોડ

૨૦૨૩-૨૪ ૧૪૩૬ ૮૫.૭૨ લાખ



Google NewsGoogle News