૫૦૦ ઉપરાંત હંગામી અધ્યાપકોના પગાર વધારાના નિર્ણયનો અમલ કરાયો નથી

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
૫૦૦  ઉપરાંત હંગામી અધ્યાપકોના પગાર વધારાના નિર્ણયનો અમલ કરાયો નથી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો સિન્ડિકેટમાં લેવાયેલા નિર્ણયોને પણ ઘોળીને પી જાય છે.જેનુ વધુ એક ઉદાહરણ સામે આવ્યુ છે.

ચાર મહિના પહેલા મળેલી સિન્ડિકેટની બેઠકમાં યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ૫૦૦ કરતા વધારે હંગામી અધ્યાપકોનો પગાર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જોકે સત્તાધીશોએ તેના પર અમલ જ નથી કર્યો.અધ્યાપકો પગાર વધારાની રાહ જોઈને બેઠા છે.

મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીમાં હંગામી અધ્યાપકોને ત્રણ કેટેગરીમાં રાખવામાં  આવ્યા છે.જેમાં પહેલી કેટેગરીમાં આવતા અધ્યાપકોનો પગાર ૩૦૦૦૦ રુપિયાથી વધારને ૩૫૦૦૦ રુપિયા કરવાનો, બીજી કેટેગરીમાં આવતા અધ્યાપકોનો પગાર ૩૩૦૦૦ રુપિયાથી વધારીને ૩૮૦૦૦ રુપિયા કરવાનો અને પીએચડી થયેલા હંગામી અધ્યાપકોનો પગાર ૩૬૦૦૦ રુપિયાથી વધારીને ૪૧૦૦૦ રુપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જોકે નવુ શૈક્ષણિક વર્ષ શરુ થઈ ગયુ છે પણ સત્તાધીશોએ આ નિર્ણય પર અમલ કર્યો નથી.બીજી તરફ સંખ્યાબંધ હંગામી અધ્યાપકોને તો હજી સુધી નિમણૂંક માટેના ઓર્ડર પણ મળ્યા નથી.કોમર્સ સહિતની કેટલીક ફેકલ્ટીઓમાં તો હંગામી અધ્યાપકોની નિમણૂંકને લઈને અંધાધૂધી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

યુનિવર્સિટી વર્તુળોમાં એવુ પણ ચર્ચાઈ રહ્યુ છે કે, અત્યાર સુધી તો સિન્ડિકેટ અને સેનેટ હોવા છતા સત્તાધીશો મનફાવે તે રીતે વહિવટ ચલાવતા આવ્યા છે અને હવે જ્યારે કોમન એકટ લાગુ થશે ત્યારે વાઈસ ચાન્સેલર સર્વેસર્વા બની જશે  ત્યારે યુનિવર્સિટીમાં કલ્પના ના કરી હોય તે પ્રકારનુ એક હથ્થુ શાસન જોવા મળશે.


Google NewsGoogle News