MSU: ડિસેમ્બર મહિનો શરુ થયો પણ પદવીદાન સમારોહની તારીખ જાહેર થઈ નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના પદવીદાન સમારોહ માટેની તારીખોને લઈને અટકળો થઈ રહી છે.જોકે હજી સુધી સત્તાવાર રીતે તારીખો જાહેર નહીં થઈ રહી હોવાથી વિદ્યાર્થીઓનો ડિગ્રી મેળવવાનો ઈંતેઝાર લંબાઈ રહ્યો છે.
યુનિવર્સિટીના ૭૨મા પદવીદાન સમારોહમાં વિવિધ ફેકલ્ટીના ૧૨૮૦૦ જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી મળવાની છે.વિદ્યાર્થીઓ પદવીદાન સમારોહની આતુરતાપૂર્વક રાહ એટલા માટે જોઈ રહ્યા છે કે તેમને ડિગ્રી સર્ટિફિકેટ મળે.વિદ્યાર્થીઓના ડિગ્રી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ દિવાળી વેકેશન પહેલા જ પૂરી થઈ ગઈ હતી.
ડિસેમ્બર મહિનો શરુ થયા પછી પણ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ ક્યારે યોજાશે તેની તારીખ નક્કી નથી.એવી અટકળો થઈ રહી છે કે ડિસેમ્બરના ત્રીજા કે ચોથા સપ્તાહમાં પદવીદાન સમારોહ યોજાઈ શકે છે.જોકે વાઈસ ચાન્સેલર પ્રો.શ્રીવાસ્તવ સિવાય યુનિવર્સિટીમાં કોઈને જાણકારી નથી કે પદવીદાન સમારોહ ક્યારે યોજાશે અને તેમાં દિક્ષાંત પ્રવચન આપવા માટે મુખ્ય અતિથિ તરીકે કોણ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૧-૨૨ના વર્ષ માટેનો પદવીદાન સમારોહ માર્ચ-૨૦૨૩માં યોજાયો હતો અને વિદ્યાર્થીઓની ડિગ્રી સર્ટિફિકેટ વગર કફોડી હાલત થઈ હતી.જેને લઈને જે તે સમયે સિન્ડિકેટ સભ્યોએ ભારે ઉહાપોહ કર્યો હતો.તે સમયે રજિસ્ટ્રારે આશ્વાસન આપ્યુ હતુ કે, ઓક્ટોબર મહિનામાં પદવીદાન સમારોહ યોજાશે.જોકે આ ડેડલાઈન ક્યારની વીતી ચૂકી છે અને હવે તો ડિસેમ્બરે મહિનો પણ શરુ થઈ ગયો છે.
હવે તો કોમન એકટ લાગુ થયા બાદ યુનિવર્સિટીમાં સિન્ડિકેટનુ પણ અસ્તિત્વ રહ્યુ નથી કે જે પદવીદાન સમારોહના આયોજન અંગે સત્તાધીશોનો જવાબ માંગી શકે.