કેમિકલ કંપનીમાં બેભાન થઇ ગયેલા કામદારનું મોત
મોતનું કારણ જાણવા માટે પી.એમ. કરાવવામાં આવ્યું
વડોદરા,નંદેસરીની કેમિકલ કંપનીમાં બેભાન થઇ ગયા પછી સારવાર માટે લઇ જવાયેલા કામદારનું મોત થયું હતું. જે અંગે નંદેસરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભેટાસી વગા ગામમાં ડેરીવાળા ફળિયામાં રહેતો ૩૧ વર્ષનો વિજય ચંદુભાઇ પરમાર નંદેસરી જી.આઇ.ડી.સી.માં આવેલા કલ્કિ કેમિકલ કંપનીમાં નોકરી કરે છે. ગઇ મધરાતે બે થી ત્રણ વાગ્યાના અરસામાં તે કંપનીમાં ઇટીપી વિભાગમાં અચાનક બેભાન થઇ જતા સુપરવાઇઝર હિતેન્દ્રસિંહ વાઘેલા તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ, મળસ્કે પોણા ચાર વાગ્યે તેનું મોત થયું હતું. જે અંગે નંદેસરી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. વિજય પરમારના મોતનું કારણ જાણવા માટે પોલીસે મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પી.એમ. રિપોર્ટ આવ્યા પછી મોતનું સાચું કારણ જાણી શકાશે.