ઝાડા ઉલટીની સારવાર લેતા યુવાનનું મોત થતા હોબાળો
સારવારમાં નિષ્કાળજીનો આક્ષેપ : મોતનું સાચું કારણ જાણવા પી.એમ. કરાવાયું
વડોદરા,ઝાડા ઉલટીની સારવાર લેતા દર્દીનું હોસ્પિટલમાં મોત થયું હતું. પરિવારજનોના સારવારમાં બેદરકારીના આક્ષેપ વચ્ચે મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે પી.એમ. કરાવ્યું છે.
ગોત્રી પાણીની ટાંકી પાસે તક્ષશીલામાં રહેતા મહેશભાઇ રઇજીભાઇ મકવાણા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત તા.૫ મી એ તેઓને ઝાડા ઉલટી થતા તબિયત બગડી હતી. તેમણે નજીકના ક્લિનિક પરથી દવા લીધી હતી. ત્યારબાદ પણ તબિયત નહીં સુધરતા સારવાર માટે પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર દરમિયાન તેઓનું ગઇકાલે મોડી રાતે મોત થયું હતું. પરિવારજનોએ સારવારમાં નિષ્કાળજીનો આક્ષેપ કર્યો હતો. મૃતકનું શરીર પણ કાળું પડી ગયું હતું. બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને ડેડબોડી પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પી.એમ.રિપોર્ટ આવ્યા પછી જ મોતનું સાચું કારણ જાણી શકાશે. સારવાર કરનાર ડોક્ટરે કહ્યું હતું કે, પેશન્ટની હાલત સારી હતી. આજે સવારે ડિસ્ચાર્જ આપવાનું હતું. રાતે એક વાગ્યા સુધી દર્દીની તબિયત સારી હતી અને રાતે બે વાગ્યે તેઓનું મોત થયું હતું. દર્દીને કશું ખાવાથી ઝેરની અસર થઇ હોવાનું અનુમાન છે. પી.એમ. રિપોર્ટ આવ્યા પછી મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.