ગાજરાવાડી સુએજ પંપિંગ સ્ટેશન પાસે કાગડા, કબૂતરો સહિત ૫૦ પક્ષીઓના ટપોટપ મરણ
મોતનું કારણ જાણવા માટે પેનલ પીએમ કરાશે
વડોદરા, તા.17 વડોદરાના ગાજરાવાડી સુએજ પંપિંગ સ્ટેશન પાસે સંખ્યાબંધ કબૂતરો અને કાગડા સહિત ૫૦ પક્ષીઓના મરણ થતા લોકો ચોંકી ઊઠયા છે, હીજ બે દિવસ અગાઉ ઉત્તરાયણ પર્વે ૧૪ કાગડાના મોત થયા હતા.
ગાજરાવાડી સુએજ પંપિંગ સ્ટેશન પાસે આજે પક્ષીઓનાં મરણ થયા તેમાં પાંચ કબૂતર, ૪૨ કાગડા, ૧ સમડી અને બે બગલાના ટપોટપ મરણ થયા હતા. મોતનું કારણ જાણવા માટે વન વિભાગે ભૂતડી ઝાંપા સ્થિત દવાખાનેથી પશુ ચિકિત્સકોની ટીમને મોકલી પેનલ પીએમ કરાવ્યું હતું, જેનો રિપોર્ટ એક દિવસમાં આવી જશે.
હજી ઉત્તરાયણે પણ ખાસવાડી સ્મશાન પરિસરમાં ૧૪ કાગડા મૃત મળી આવ્યા હતા, પરંતુ ડિકમ્પોઝ થઈ જતાં તેનું પીએમ થઈ શક્યું ન હતું. આમ પણ ઉત્તરાયણ પર્વે ધારદાર દોરાને કારણે ઘાયલ થયેલા પક્ષીઓ પડીને નીચે વૃક્ષમાં ફસાઈ જઈને ત્યાં પડયા રહે છે અને મૃત્યુ પામ્યા બાદ નીચે પડે છે, એ સમયે તે ડિકમ્પોઝ થઈ ચૂક્યા હોય છે.
ગાજરાવાડી ખાતે એક સાથે પક્ષીઓ મૃત્યુ થતા વાઈલ્ડ લાઈફ પ્રેમીઓ ત્યાં પહોંચ્યા હતા અને વન વિભાગને જાણ કરી હતી. મૃત પક્ષીઓના પેનલ પીએમ બાદ અંતિમવિધિ નિયમોનુસાર કરી દેવાઈ હતી.