વિદ્યાર્થીઓએ ફેકલ્ટી ડીનની ઓફિસનું બારણું બહારથી બંધ કરી દેતા દોડધામ

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થીઓએ ફેકલ્ટી ડીનની ઓફિસનું બારણું બહારથી બંધ કરી દેતા દોડધામ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓના એક જૂથે આજે ડીન સમય નહીં આપી રહ્યા હોવાનુ કારણ આપીને  ફેકલ્ટી ડીનની ઓફિસનો દરવાજો બહારથી બંધ કરી દેતા ડીન થોડા સમય માટે પૂરાઈ ગયા હતા.વિદ્યાર્થીઓની આ ચોંકાવનારી હરકતને લઈને ભારે ચકચાર મચી ગઈ હતી.

મળતી વિગતો પ્રમાણે કેટલાક વિદ્યાર્થીઓ પોતાની માંગણીઓને લઈને ફેકલ્ટી ડીન સમક્ષ રજૂઆત કરવા માટે ગયા હતા.ડીન અન્ય કામમાં વ્યસ્ત હોવાથી તેમણે વિદ્યાર્થીઓને થોડો સમય માટે બહાર બેસાડયા હતા.જોકે વિદ્યાર્થીઓને રાહ જોવાનુ મંજૂર નહોતુ.આથી તેમણે ડીનનો ઓફિસનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો.એ પછી ફેકલ્ટી ડીને પોલીસને જાણ કરી હતી.પોલીસ સ્થળ પર પહોંચી હતી અને દરવાજો ખોલવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓએ કરેલી આ હરકત ભારે ચર્ચાનો વિષય બની હતી. ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને વિદ્યાર્થી સંગઠનોને ફેકલ્ટી ડીન સાથે કોઈ પણ મુદ્દે વાંધો હોઈ શકે પણ આ પ્રકારે બહારથી ઓફિસનુ બારણું બંધ કરી દેવુ કઈ હદે વ્યાજબી છે તેવી ચર્ચા પણ અધ્યાપક આલમમાં શરુ થઈ હતી.

બીજી તરફ સિક્યુરિટી વ્યવસ્થા પર પણ સવાલો સર્જાયા હતા.કારણકે આજે પણ સિક્યુરિટીનો અભાવ દેખાઈ આવ્યો હતો.આર્ટસ ફેકલ્ટીમાં અગાઉ થયેલી મારામારી વખતે પણ સિક્યુરિટી ગાયબ હતી. આજે જે ઘટના બની હતી તેમાં જોકે પોલીસે કે સત્તાધીશોએ કોઈ કાર્યવાહી કરી નથી.



Google NewsGoogle News