વડોદરાના પાણીગેટ બાવચાવાડમાં જુના ઝઘડાની અદાવતે લોખંડની ફરસી અને પાઇપથી જીવલેણ હુમલો
- પાણીગેટ બાવચાવાડમાં આડા સંબંધની શંકા રાખી અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી હોળીના રાત્રે ફરીથી મારા મારી થઈ હતી જે અંગે પાણીગેટ પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે
વડોદરા,તા.26 માર્ચ 2024,મંગળવાર
વડોદરાના પાણીગેટ બાવચાવાડ મહાકાળી મહોલ્લામાં રહેતા નીતાબેન સંજયસિંહ ચૌહાણ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 24મી તારીખે રાત્રે અમે ઘરના સભ્યો જમવા બેઠા હતા ત્યારે અમારા મહોલામાં રહેતા વિજય બાબુભાઈ તડવીની બે બહેનો નયના અને જીગી અમારા ઘર પાસે આવી હતી. જીગીએ મારા પતિને જણાવેલ કે તું કેમ ગાળો બોલે છે તેમ કહી તે બંને બહેનો અમારા સાથે ઝઘડો કરી ગાળો બોલવા લાગી હતી ત્યારે મારા સસરા કાળુસિંહ તે બંને બહેનોને સમજાવવા લાગ્યા હતા. આ ઝઘડાને કારણે બૂમો ગુમ થતા વિજય તડવી અમારા ઘર પાસે આવી તેને બંને બહેનોનું ઉપરાણું લઈ અમારી સાથે વધુ ઝઘડો કરવા લાગ્યો હતો અને ધમકી આપી હતી કે આજે તો તમારામાંથી કોઈ એકને પતાવી દઈશ તેમ કહી લોખંડની ફરસી મારા સસરાના માથાના ભાગે મારવા જતા મારા સસરાએ ડાબો હાથ આડો કરી દેતા ડાબા હાથના કાડા ઉપર ઇજા થઈ હતી. વિજય ફરીથી હુમલો કરી મારા સસરાના માથા પર ફરસીનો ઘા મારી દીધો હતો જેથી મારા સસરા લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. વિજયની બહેને મારા પતિને મોઢાના ભાગે ઈંટનો ટુકડો મારી દીધો હતો. બહુ બુમાબુમ થતાં આજુબાજુના લોકો ભેગા થઈ જતા ઝઘડો બંધ કરાવ્યો હતો.
જ્યારે સામા પક્ષે વિજય તડવીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 24મી તારીખે હોળીનો તહેવાર હોવાથી મારી બંને બહેનો નયના અને જીગી મારા ઘરે આવ્યા હતા. તેઓ માંડવી ખાતે મેલડી માતાના મંદિરે દર્શન કરવા જતા હતા તે સમયે મારી બહેનોને જોઈને અમારા મહોલ્લામાં રહે તો કાળુસિંહ ચૌહાણ તથા તેનો દીકરો સંજય સિંહ ગાળો બોલતા હતા જેથી મારી બહેનોએ તેઓને ગાળો બોલવાની ના પાડતા તેઓએ ઝઘડો કર્યો હતો. કાળુસિંહ મારી બેનનું ગળું પકડીને દબાવતો હતો જેથી મેં મારા હાથમાં રહેલી ફરસી કાળુસિંહના માથામાં તથા ડાબા હાથમાં મારી દીધી હતી કાળુસિંહનો દીકરો સંજય ઘરમાંથી લોખંડની પાઇપ લઈ આવી મારા માથામાં મારી દીધી હતી. તેઓએ છુટ્ટી ઈટોના ટુકડા માર્યા હતા અગાઉ અમારે આડા સંબંધની શંકા રાખી ઝઘડો થયો હતો તેની અદાવત રાખી ફરીથી ઝઘડો કર્યો હતો.