મહુડી ગામે મંદિરમાં પૂજા કરવા બાબતે વૃદ્ધ પર જીવલેણ હુમલો

Updated: May 11th, 2024


Google NewsGoogle News
મહુડી ગામે મંદિરમાં પૂજા કરવા બાબતે વૃદ્ધ પર જીવલેણ હુમલો 1 - image


મંદિરમાં કેમ આવ્યો છો તેમ કહેતા મામલો બિચક્યો : પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી

માણસા :  માણસા તાલુકાના મહુડી ગામે રાવળ વાસમાં ગઈકાલે બપોરે એક યુવક પૂજા કરવા માટે ગયો હતો તે વખતે અહીં વાસમાં રહેતો ૨૦ વર્ષીય યુવક આવી મંદિરમાં કેમ આવ્યો તેવું કહી ઝઘડો કરી હુમલાની કોશિશ કરતા દર્શન માટે આવેલા યુવકના પિતા વચ્ચે છોડાવા ગયા તો હુમલાખોર યુવકે તેમના માથામાં લાકડાનો ધોકો મારતા તેઓ બેભાન થઈ જતા તાત્કાલિક તેમને પ્રથમ માણસા અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા છે જે બાબતે ઇજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર એ હુમલાખોર વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા પોલીસે ગુનો નોંધી  કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 માણસા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ મહુડી ગામે રાવળ વાસમાં રહેતા અને શાકભાજી નો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૨૯ વર્ષીય મહેશભાઈ ગાંડાભાઈ રાવળ ગઈકાલે બપોરે તેમના ઘરની બાજુમાં આવેલા બ્રહ્માણી માતાજીના મંદિરમાં શ્રીફળ વધેરવા માટે ગયા હતા તે વખતે તેમના વાસમાં વહેતો ૨૦ વર્ષીય હાદક ઉર્ફે જીગો વિક્રમભાઈ રાવળ મંદિરમાં આવી મહેશભાઈને કહેવા લાગ્યો હતો કે તું મંદિરમાં કેમ આવ્યો તેવું કહી ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ અહીં પડેલા સેન્ટીંગના ટેકામાં વપરાતો લાકડાનો ધોકો મારવાની કોશિશ કરતા હોબાળો થયો હતો જેથી મહેશભાઈના ૬૦ વર્ષીય પિતા મંદિરમાં આવી ગયા હતા અને તેઓ વચ્ચે છોડાવા જતા હાદકે જાનથી મારી નાખવાના ઇરાદે વૃદ્ધના માથામાં લાકડાના ધોકા નો ફટકો મારતા તેઓ ત્યાં જ બેભાન થઈ ઢળી પડયા હતા.

 આ વખતે આજુબાજુમાંથી દોડી આવેલા લોકોને જોઈ હુમલાખોર ત્યાંથી ભાગી ગયો હતો બીજી બાજુ ઇજાગ્રસ્ત વૃદ્ધને પ્રથમ માણસા અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા જે બાબતે ઇજાગ્રસ્તના પુત્ર મહેશભાઈએ હુમલાખોર હાદક ઉર્ફે જીગો વિક્રમભાઈ રાવળ વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News