વડોદરાના પશ્ચિમ ઝોનમાં કોર્પોરેશનના વેરા બિલ ભરવાની છેલ્લી મુદ્દત તારીખ 15 નવેમ્બર
- પશ્ચિમના ઝોનના ત્રણ વોર્ડના 212369 બિલની ટોટલ ડિમાન્ડ રૂપિયા 168 કરોડ છે
વડોદરા,તા.2 નવેમ્બર 2021,મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષના મિલકતવેરાના બાકી રહેલા વેરાબીલ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. શહેરના પશ્ચિમ ઝોનમાં બિલો આપી દેવાયા છે અને બિલ ભરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર છે. કોર્પોરેશનના 12 વહીવટી વોર્ડ છે. જેમાં પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 6 ,10 અને 11નો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 6 માં 73782, વોર્ડ નંબર 10 માં 59435 અને વોર્ડ નંબર 11 માં 79152 બિલોની સંખ્યા છે. ત્રણેય વોર્ડના 216369 બિલની કુલ ડિમાન્ડ 167.91 કરોડ છે. ચાલુ વર્ષે કોર્પોરેશનના બારે વોર્ડના કુલ બિલોની સંખ્યા 724725 છે, અને તેની કુલ ડિમાન્ડ 410.64 કરોડ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગયા વર્ષના બિલના આધારે એડવાન્સ ટેક્સ રિબેટ યોજના દાખલ કરી હતી. જે કોમર્શિયલ અને રહેણાક મિલકતો માટે હતી. આ યોજના તારીખ 1 એપ્રિલથી દાખલ કરી હતી.જે તારીખ 15 ઓગસ્ટના રોજ પૂરી થઈ હતી. આ સમય દરમ્યાન 180881 લોકોએ 129.94 કરોડનો વેરો ભરી દીધો હતો. જેમાં 144321 બિલો રહેણાક મિલકતો ના અને 36560 બિલ કોમર્શિયલ મિલકતોના ભરપાઈ થયા હતા. એડવાન્સ ટેક્સ રિબેટ યોજના પૂરી થયા બાદ જે લોકોએ ચાલુ વર્ષનો વેરો ભર્યો નથી તેઓને હવે બિલો અપાયા છે .પશ્ચિમ ઝોનમાં બિલ ભરવાની મુદત તારીખ 15 નવેમ્બરે પૂરી થયા બાદ જે લોકોએ વેરો ભરપાઇ નહીં કર્યો હોય તેની પાસેથી વ્યાજ, પેનલ્ટી, નોટીસ ફી વસુલ કરાશે. જો કોઈને બિલ ન મળ્યું હોય તો વોર્ડ કચેરીમાં જુના વેરા બિલ લઇ જઇને ત્યાં સંપર્ક કરીને ચાલુ વર્ષનું બિલ મેળવીને ભરી દેવા કોર્પોરેશન દ્વારા જણાવાયું છે.