કારેલીબાગ બહુચરાજી રોડ પર પડી રહેલી ટ્રકમાંથી પરપ્રાંતીય યુવકનો દુર્ગંધ મારતો મૃતદેહ મળી આવ્યો
વડોદરાઃ કારેલીબાગ બહુચરાજી રોડ વિસ્તારમાં પડી રહેલી એક ટ્રકમાંથી દુર્ગંધ મારતો મૃતદેહ મળી આવતાં કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.
બહુચરાજીરોડ પર ત્રણેક મહિનાથી પડી રહેલી ટ્રકને જોવા માટે આજે માલિક આવતાં ટ્રકની પાછળના ભાગે માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ મારતો મૃતદેહ મળી આવ્યો હતો.જેથી લોકો ભેગા થઇ ગયા હતા.
બનાવની જાણ કારેલીબાગ પોલીસને કરાતાં લેડી પીએસઆઇ એસ ડી ચૌધરીએ તપાસ કરી હતી.મરનારના ખિસ્સામાંથી આધારકાર્ડ મળ્યું હતું.જેમાં રમેશ ભાભોર (મધ્યપ્રદેશ) લખેલું હતું.
પોલીસે તેના પરિવારનો સંપર્ક કરતાં એક વર્ષથી તે વડોદરા આવ્યો હોવાની વિગતો જાણવા મળી હતી.મરનાર યુવક ક્યાં રહેતો હતો,તેનો સામાન ક્યાં છે,ટ્રકમાં કેવી રીતે તેનો મૃતદેહ મળ્યો,તેની હત્યા છે કે કુદરતી મોત છે જેવા મુદ્દા તપાસનો વિષય બનતાં પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ કરી છે.